Ahmedabad: સુખ્યાત લેખિકા ઈલા આરબ મહેતાનું 88 વર્ષની વયે નિધન

📅 Published: October 7, 2026 | 📂 Category: Ahmedabad

દરિયાઈ સાહસકથાઓ દ્વારા ગુજરાતી કથાસાહિત્યને સમૃદ્ધ કરનાર લેખક ગુણવંતરાય આચાર્યનો સાહિત્યિક વારસો આગળ વધારનાર તેમનાં નાનાં પુત્રી તે વર્ષા અડાલજા અને મોટાં પુત્રી તે ઈલા આરબ મહેતા. 16 જૂન, 1938ના રોજ મુંબઈ ખાતે જન્મેલ અને મુંબઈની રુઈયા કોલેજ, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અધ્યાપક તરીકે 2000માં નિવૃત્ત થનાર અને 1964માં ડો.આરબ મહેતા સાથે લગ્ન કરનાર ઈલા આરબ મહેતાએ સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાં એક અગ્રણી, પ્રયોગશીલ લેખિકા તરીકે નોંધપાત્ર યોગદાન આપેલ છે. ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ (1969)થી શરૂ કરીને ‘ઝીલી મેં કૂંપળ હથેળીમાં’ (2007) વગેરે 20 ઉપરાંત નવલકથાઓ તથા ‘એક સિગરેટ, એક ધૂપસળી’ સહિત અડધો ડઝન વાર્તાસંગ્રહો આપનાર ઈલા આરબ મહેતા સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યના એક પ્રયોગશીલ સર્જક હતા. રસપ્રદ ગદ્યશૈલી, ભાતીગળ પાત્રસૃષ્ટિ, વિશાળ અનુભવવિશ્વ અને માનવજીવનની સૂક્ષ્મ વેદના-સંવેદનાનું નરવું, નમણું નિરૂપણ એ તેમની કલમની આગવી લાક્ષણિકતાઓ રહી. ‘બત્રીસ પુતળીની વેદનાઓ’ જેવી નિરાળી નારીવાદી નવલકથાના સર્જક તરીકે ઈલા આરબ મહેતા ગુજરાતી કથાસાહિત્યના ભાવકો અને વાંચકોનાં અંતરમનમાં સદૈવ ‘જીવંત’ રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *