ચાઈનિઝ અને કમ્બોડીયાની ગેંગ સાથે મળી સાયબર ક્રાઈમનું રેકેટ ચલાવનાર 1071 કરોડના સાયબર ફ્રોડ રેકેટના સૂત્રધારની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે વેશપલટો કરી આસામના બારપોટા જિલ્લામાંથી ધરપકડ કરી છે. કમ્બોડીયાથી સમગ્ર દેશમાં 10 લોકોનું લાઈવ ડિજિટલ એરેસ્ટ ચાલી રહ્યું હતું, તે સમયે સાયબર સેન્ટરની ટીમે ઓપરેશન પાર પાડયું હતું, પોલીસને આસામના સૂત્રધાર રફીકુલ પાસેથી મળેલા 23 ક્રિપ્ટો વોલેટમાં 16 કરોડના ટ્રાન્ઝેકશન મળી આવ્યા છે. સાયબર ક્રાઈમના 1090 ગુના આચરનાર રફીકુલ છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર પકડાયો છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં દસ લોકો લાઈવ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા જેમાં ગુજરાતમાંથી 5 લોકો ભોગ બન્યા હતા. ગુજરાતની સાયબર સેન્ટર એક્સલન્સની ટીમે ત્રણ દિવસ સુધી આસામમાં વેશપલટો કરીને તપાસ કર્યા બાદ આરોપી સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં મ્યુલ બેંક ખાતામાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનાર નાણાં જમા કરાવે એટલે ગણતરીની મિનિટોમાં એ રકમ 1754 બેંક ખાતામાં સ્પ્લીટ (ટ્રાન્સફર) થાય તેવી સિસ્ટમ ચાલતી હતી.
ડિજિટલ એરેસ્ટ થયેલા સિનિયર સિટીઝનના કેસની તપાસમાં સાયબરની ટીમે મ્યુલ બેંક ખાતાની તપાસ કરી તો તેના તાર વેસ્ટ બંગાળ સુધી તેમજ બેંક ખાતું ઓપરેટ કરનાર વ્યક્તિ ડમી સીમકાર્ડ વાપરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટલુ જ નહિ સમગ્ર કાંડમાં આસામનો સૂત્રધાર ઓપરેટ કરતો હોવાની બાતમીના પગલે સાયબર સેલની ટીમે બારપોટા જિલ્લામાંથી 25 વર્ષના રફીકુલ આલમ મો.અલીની ધરપકડ કરી હતી. તેની પાસેથી 23 ક્રિપ્ટો વોલેટ, વોટસએપ ચેટ તેમજ ડિજિટલ એરેસ્ટ થયેલા લોકોની વિગતો મળી છે. તેની સામે સમગ્ર દેશમાં 1071 કરોડના 1090 સાયબર ગુના દાખલ થયેલા છે. આ દરમિયાન સમગ્ર દેશમાં દસ લોકો હાલમાં લાઈવ ડિજિટલ એરેસ્ટ હોવાની વિગતો પોલીસને મળી હતી. જેમાં ગુજરાતમાં અમદાવાદમાં એક, સુરતમાં એક અને ભાવનગરમાં 3 મળી પાંચ અને દેશમાં મુંબઈ મહારાષ્ટ્ર, છતીસગઢના રાયપુર, ઓડીશાના સુંદરગઢ, ઓડીશાના ભુવેશ્વરમાં બે મળી પાંચ એમ સમગ્ર દેશમાં કુલ દસ લોકો ભોગ બન્યા હતા. આ તમામ લોકોનો સંપર્ક કરીને સાયબર સેલ દ્વારા ઓછામાં ઓછી પાંચ કરોડ જેટલી રકમ લોકોની બચાવી હતી. આરોપીઓએ અમદાવાદના વૃદ્ધના ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડરાવી 20 લાખ, સુરતના વૃદ્ધ ઈડીની ધમકી આપી આતંકી પ્રવૃત્તીમાં સંડોવવાના નામે 60 લાખ અને જામનગરના વૃદ્ધ પાસેથી 9.50 લાખ લીધા બાદ બીજા દસ લાખ માંગ્યા હતા. આ ઉપરાંત મુંબઈ મહારાષ્ટ્રના સિનિયર સિટીઝન એક કરોડ ભરવાના હતા. આ તમામ રકમ બચાવી તેમજ અન્ય રાજ્યના સિનિયર સિટીઝનને નાણાં ભરતા રોક્યા હતા.
