Ahmedabad : BRTS રૂટ બન્યો બેફામ વાહનોનો રસ્તો, કરોડોના બૂમ બેરિયર ફેઇલ, તંત્રની બેદરકારી સામે સવાલ

📅 Published: August 29, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં વાહનચાલકો બિન્દાસ રીતે ટ્રેકમાં ઘૂસી રહ્યા છે. અકસ્માતો અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર જ હવે તંત્રની બેદરકારીના કારણે સમસ્યા બની રહ્યા છે. કેટલાક સ્થળોએ બેરિયર ખરાબ હોવાની રજૂઆતો સામે આવી છે, તો ક્યાંક બસ સિવાયના વાહનો માટે પણ ગેટ સરળતાથી ખુલી જતા હોવાના આક્ષેપ છે.

બસ માટેના ગેટ, વાહનો માટે ખુલ્લો રસ્તો?

BRTS કોરિડોરમાં સામાન્ય વાહનો પ્રવેશ ન કરે તે માટે સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર લગાવવામાં આવ્યા હતા. આ સિસ્ટમ BRTS બસો અને ઇમર્જન્સી વાહનોને પ્રવેશ આપવા માટે બનાવવામાં આવી છે. પરંતુ અનેક સ્થળોએ ગેટ તૂટી ગયા હોવાની અથવા ખુલ્લા રાખવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે.

કરોડોના ખર્ચ બાદ પણ વ્યવસ્થા ખોરવાઈ

સવાલ એ છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષા માટે ગેટ લગાવવામાં આવ્યા હોય તો તેની નિયમિત જાળવણી કોણ કરશે? બેરિયર ખરાબ થાય અને સામાન્ય વાહનો BRTS ટ્રેકમાં ઘૂસી જાય તો અકસ્માતની જવાબદારી કોની? તંત્રની નબળી જાળવણીને કારણે જાહેર નાણાંનો ખર્ચ પણ સવાલોના ઘેરામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો ગાજ્યો

આ ગંભીર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે ખામીયુક્ત બૂમ બેરિયર અને ગેટ અંગે કડક વલણ અપનાવ્યું હતું. તમામ ખરાબ બેરિયર તાત્કાલિક રિપેર કરવા અથવા જરૂરી હોય ત્યાં હટાવવા તથા વ્યવસ્થા નિયમિત રાખવા સૂચના આપવામાં આવી છે.

BRTS રૂટ પર અકસ્માતનું જોખમ

BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોની ઘૂસણખોરીથી બસ અને અન્ય વાહનો વચ્ચે અકસ્માતનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ઝડપથી દોડતી BRTS બસોના રૂટમાં અનધિકૃત વાહનો પ્રવેશે તો ગંભીર પરિણામ આવી શકે છે.

હવે કાર્યવાહી ખરેખર થશે?

માત્ર બેઠકમાં સૂચના આપવાથી સમસ્યા ઉકેલાશે કે ખરાબ બેરિયર ખરેખર રિપેર થશે? BRTS રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોના ખર્ચે ઉભી કરેલી વ્યવસ્થા કાગળ પર જ મજબૂત છે કે રસ્તા પર પણ? 

આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *