રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અડધું ગુજરાત વરસાદ વિહોણું રહેતાં ખેતી ક્ષેત્રે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 11 જિલ્લાઓ અને 108 જેટલા તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે ઉભા કૃષિ પાકો સુકાઈ રહ્યા છે અને પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને રુ.45 થી 55 હજાર કરોડનું જંગી નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની ગુહાર સરકાર સુધી પહોંચાડવા માટે વિધાનસભામાં નિયમ 11૬ હેઠળની નોટિસ પાઠવવામાં આવી છે તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
વ્યાજ માફી, મફત ઘાસચારો અને મનરેગાના રાહત કામો શરૂ કરવા માગણી
કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં માંગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત, દેવામાં ડૂબેલા ખેડૂતોના કૃષિ ધિરાણ પર વ્યાજ માફી આપવા, પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવા તેમજ પીવાના અને સિંચાઈના પાણી માટે ટેન્કરો શરૂ કરવાની અપીલ કરાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની આફત ન સર્જાય તે માટે મનરેગા યોજના હેઠળ ત્વરિત રાહતના કામો શરૂ કરવા માટે પણ ભારપૂર્વક માગણી મૂકવામાં આવી છે.
આવતીકાલે ગાંધીનગરમાં કોંગ્રેસની ‘આક્રોશ સભા’, ખેડૂતો પણ હાજર રહેશે
વરસાદની ખેંચ અને સરકારની નિષ્ક્રિયતા સામે અન્નદાતાઓના હિતમાં વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ભવ્ય ‘આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આક્રોશ સભામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. વિપક્ષી હલચલ અને ઉગ્ર આંદોલનની ચીમકી બાદ હવે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક પેકેજ અને રાહત કામગીરી અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
