નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવા અને વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ ગ્રાન્ટ પૈકી અંદાજે રૂપિયા 708 કરોડ જેટલી માતબર રકમ રોડના નિર્માણ,સ્મશાનગૃહના આધુનિકરણ તેમજ AMTS અને BRTS માટે ઇલેક્ટ્રિક બસોની ખરીદી જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવી છે.વાસ્તવિકતા એ છે કે કરોડો રૂપિયાના આંધણ છતાં શહેરની હવા સતત ઝેરી અને દૂષિત બની રહી છે. હવાની ગુણવત્તા બાબતે તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણના આંકડા પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા
અમદાવાદની સરખામણીમાં પ્રમાણમાં નાનું શહેર હોવા છતાં અન્ય એક શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતી કેટેગરીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.જ્યારે બીજી તરફ અમદાવાદને આ સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા હતા.શહેરમાં પ્રદૂષણ વધવા પાછળ માત્ર વાહનો જ નહીં પરંતુ અન્ય વ્યવસ્થાઓ પણ જવાબદાર હોવાનું જણાય છે.તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી વોલ ટુ વોલ પાકા રોડ બનાવવામાં આવ્યા છે.જેના કારણે વરસાદી કે અન્ય પાણી જમીનમાં ઉતરી શકતું નથી અને જમીનની શ્વાસ લેવાની ક્ષમતા ઘટે છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે પણ સાપ્તાહિક રિવ્યુ બેઠક દરમિયાન ફૂટપાથ ઉપર પેવર બ્લોક અથવા પેવિંગ કરતી વખતે માટીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી,જેથી જમીનમાં પાણી સરળતાથી ઉતરી શકે અને ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહે.

મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે
શનિવારે સાંજે 7 કલાકે અમદાવાદ શહેરનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 105 એટલે કે પુઅર શ્રેણીમાં નોંધાયો હતો.નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અને 15મા નાણાંપંચ તરફથી મળેલી ગ્રાન્ટની રકમમાંથી એર ક્વોલિટી મોનિટરિંગ અને સ્માર્ટ સેન્સર્સ લગાવવા માટે અંદાજે રૂપિયા 25 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રિયલ-ટાઇમ પ્રદૂષણ માપવા માટે શહેરના તમામ વોર્ડ અને મુખ્ય રસ્તાઓ ઉપર 1500 જેટલા સ્માર્ટ એર સેન્સર્સ અને ડિસ્પ્લે બોર્ડ લગાવવાની મોટી જાહેરાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી.પરંતુ દુઃખદ બાબત એ છે કે આ મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. ગ્રાન્ટમાંથી મોટા પાયે રોડ રિસરફેસિંગ અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવા છતાં અમદાવાદ શહેરનો ઓવરઓલ તેમજ વિવિધ વિસ્તારોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી 300 સુધીના અત્યંત ચિંતાજનક સ્તર ઉપર નોંધાઈ રહ્યો છે.
