Ahmedabad News: અમિત શાહના પ્રવાસને લઈને શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આગામી અમદાવાદ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને જાહેર જનતાની સલામતીને સર્વોપરી રાખીને સમગ્ર અમદાવાદ શહેરમાં 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને વિગતો આપવામાં આવી છે.

પોલીસ કમિશ્નરનું જાહેરનામું

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધિત આદેશ 26ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાથી અમલમાં આવશે અને 29 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે.આ સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે ડ્રોન ઓપરેટર દ્વારા કોઈપણ પ્રકારના હવાઈ સાધનો ઉડાડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ હેઠળ તમામ પ્રકારના ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરામોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ જેવી તમામ હવાઈ પ્રવૃત્તિઓ પર કડક રોક લગાવવામાં આવી છે. 

જાહેરનામાની ચુસ્ત અને કડક અમલવારી

પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, દેશ વિરોધી તત્વો કે આતંકવાદીઓ દ્વારા રિમોટ સંચાલિત હવાઈ સાધનોનો દુરુપયોગ કરીને સુરક્ષામાં સૈંધ મારવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોવાથી આગોતરા સચેત પગલાં તરીકે આ કડક નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રતિબંધમાંથી સરકારી કામગીરીમાં જોડાયેલા પોલીસ વિભાગ, સુરક્ષા દળો અને કાયદો-વ્યવસ્થાની જાળવણી કરતી એજન્સીઓને મુક્તિ આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ જાહેરનામાની ચુસ્ત અને કડક અમલવારી કરાવવા માટે તમામ સ્થાનિક પોલીસ મથકો અને ઉચ્ચ અધિકારીઓને ખાસ સત્તા સુપ્રત કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ નિયમ કે જાહેરનામાનો ભંગ કરતી જણાશે,તો તેની સામે ગુનો નોંધીને કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *