Ahmedabad News: ઓનલાઈન ગેમિંગ ફ્રોડ મામલે EDનું 12 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડોની મિલકતો જપ્ત

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

ઓનલાઈન ગેમિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ અમદાવાદ, નાગપુર અને ગોંદિયામાં કુલ 12 જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી મુખ્ય આરોપી અનંત નવરત્ન જૈન ઉર્ફે ‘સોન્ટુ જૈન’ અને તેના સાથીદારો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની શરૂઆત નાગપુર સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆર (FIR)થી થઈ હતી. 

શેર ટ્રેડિંગ એકાઉન્ટ્સને પણ ફ્રીઝ કરી દીધા

આરોપીઓએ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને જાળમાં ફસાવ્યા હતા અને રૂ. 58.42 કરોડની ભયાનક છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો હતો. નાણાકીય ગોટાળાના આ ગંભીર કેસમાં મની લોન્ડરિંગનો એન્ગલ સામે આવતા ઈડીએ તપાસનો દોર સંભાળ્યો હતો.દરોડા દરમિયાન ઈડીને સ્થળ પરથી રૂ. 30.30 લાખની બિનહિસાબી રોકડ મળી આવી હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે. આ ઉપરાંત એજન્સીએ ફ્રોડ સાથે જોડાયેલા 100થી વધુ બેંક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર ટ્રેડિંગ એકાઉન્ટ્સને પણ ફ્રીઝ કરી દીધા છે, જેની કુલ કિંમત આશરે રૂ. 5 કરોડ થાય છે. 

આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા

તપાસ દરમિયાન 2 બેંક લોકર અને રૂ. 1.70 કરોડની કિંમતના 3 લક્ઝરી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવા ધરાવતા 11 મોબાઈલ ફોન તથા 1 લેપટોપ કબ્જે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા વસાવવામાં આવેલી રૂ. 16.50 કરોડની અચલ મિલકતો સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ ઈડીના હાથે લાગ્યા છે. ઈડીને આ કૌભાંડમાં મોટા પ્રમાણમાં નાણાકીય અને ડિજિટલ પુરાવા હાથ લાગ્યા હોવાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની અને કૌભાંડીઓની ધરપકડ થવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે ઈડી દ્વારા ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ India News : લોકોએ ઠગ્યા ને દારૂની લત લાગી, જાણો શું છે KBCમાં 5 કરોડ જીતનાર સુશિલ કુમારની અસલી કહાની?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *