ઓનલાઇન સટ્ટા પ્લેટફોર્મ પારીમેચ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીએ કડક કાર્યવાહી કરી છે.આ તપાસના ભાગરૂપે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં 17 સ્થળો પર મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઈડી દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન આશરે રૂ.2.11 કરોડની ચલ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.1 લાખની રોકડ, 1 કિલોગ્રામ સોનાની બાર તેમજ વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,અંદાજે રૂ.37 કરોડની બેંક સિલક પણ ફ્રીઝ કરવામાં આવી છે.આ સમય પ્રકરણમાં અત્યાર સુધીમાં ઈડી દ્વારા કુલ રૂ.150 કરોડથી વધુની સંપત્તિઓ ફ્રીઝ કે જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ ચૂકી છે.
ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈ
મુંબઈના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પારીમેચ ડોટ કોમ વિરુદ્ધ ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈ કરવાના આરોપસર નોંધાયેલી ફરિયાદના આધારે ઈડીએ આ તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્લેટફોર્મે યુઝર્સને ઊંચા રિટર્ન અને નફાની લાલચ આપીને માત્ર એક જ વર્ષમાં રૂ.3 હજાર કરોડથી વધુની જંગી રકમ એકત્ર કરી હતી.ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે સટ્ટાબાજીથી મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે એક જટિલ અને મલ્ટી-લેવલ તંત્ર ગોઠવવામાં આવ્યું હતું.શરૂઆતમાં આ રકમ મર્ચન્ટ ખાતા તરીકે ઓળલાવાયેલાં અનેક મ્યુલ ખાતાઓ દ્વારા રૂટ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેને કેશ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એજન્સીઓની મદદથી લેયરિંગ કરવામાં આવતી હતી.
500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતા
આ પ્રક્રિયા દ્વારા બોર્કિંગ સિસ્ટમમાં નાણાંનું ચક્ર ફેરવીને તેના બદલે ભૌતિક રોકડ સટ્ટા નેટવર્ક સાથે સંકળાયેલા શાખાઓને ઉપલબ્ધ કરાતી હતી.આ રોકડ રકમને હવાલા અને ક્રિપ્ટો ઓપરેટરોની મદદથી યુએસડીટીમાં રૂપાંતરિત કરીને પારીમેચના વિદેશી ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરાતી હતી.આ ઉપરાંત, પેમેન્ટ મિડિયેટર્સ દ્વારા આ નાણાં ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોનાં બેંક ખાતાઓમાં પણ રૂટ કરવામાં આવ્યા હતા. જેની સામે કોઈ વાસ્તવિક સેવાઓ પૂરી પાડવામાં આવી ન હતી. આવા બે ઓપરેટરો દ્વારા જ ઓછામાં ઓછા રૂ.200 કરોડના વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે.સાથો સાથ હેફાડા માટેના વિદેશી પ્રત્યક્ષ રોકાણો અને સેવાઓની નકલી આયાત જેવા સમાંતર માધ્યમો દ્વારા પણ રૂ.500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો
