Ahmedabad News: જાહેરાતના હોર્ડિંગ્સ બચાવવા લીલાછમ વૃક્ષોનું નિકંદન, મિશન મિલિયન ટ્રીના દાવાઓની ખુલી પોલ

📅 Published: September 4, 2026 | 📂 Category: Ahmedabad

સ્માર્ટ સિટી અમદાવાદમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મિશન મિલિયન ટ્રી જેવા મોટા ઉપાડે કાર્યક્રમો ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ જાહેરાત એજન્સીઓની કમાણી ખાતર શહેરના લીલાછમ વૃક્ષો પર સરકારી આશીર્વાદથી કુહાડી ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

એસજી હાઈવેથી રિંગરોડ વચ્ચે વૃક્ષોનું ટ્રિમિંગ

શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના માર્ગો પર મોકાની જગ્યાઓએ મૂકવામાં આવેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય અને વૃક્ષોના કારણે ઢંકાઈ ન જાય તે માટે વૃક્ષોનું અવિચારી રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે.નિયમ મુજબ માત્ર હળવું ટ્રિમિંગ કરવાની જગ્યાએ જાહેરાત બોર્ડનો વ્યૂ ક્લિયર કરવા માટે મોટા અને ઘટાદાર વૃક્ષોની ડાળીઓને મૂળમાંથી કાપી નાખવામાં આવી છે જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કૌભાંડમાં ચિત્રા પબ્લિસિટી નામની જાહેરાત એજન્સીનું નામ મોખરે આવી રહ્યું છે.આ એજન્સી દ્વારા અગાઉ પણ પોતાના હોર્ડિંગ્સ બચાવવા માટે આ પ્રકારે કાયદાનો અનાદર કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા જે બદલ ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.

નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે 

વારંવાર આવા કિસ્સાઓ સામે આવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ આકરી કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં ન આવતાં આ એજન્સીઓ બેફામ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં એક તરફ નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે અને બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોને વેપારી સ્વાર્થ માટે બલિ ચડાવી દેવાય છે.આ ઘટનાએ AMCના ગાર્ડન વિભાગ અને વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા ખુલ્લી પાડી દીધી છે.કોર્પોરેશન માત્ર કાગળ પર જ મિશન મિલિયન ટ્રી ચલાવવા માંગે છે કે પછી પ્રકૃતિનું નિકંદન કાઢતી ખાનગી પબ્લિસિટી એજન્સીઓ સામે કડક પગલાં ભરીને કાળી યાદીમાં મૂકશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *