અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બદનામ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેઠાણી સાથે ભાગી ગયેલા પ્રેમીએ દેરાણી અને નણંદને બદનામ કરવા માટે તેમના મોર્ફ કરેલા બીભત્સ ફોટા અને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ પર વાયરલ કરી હતી.આ મામલે કંટાળેલી પીડિત મહિલાએ આખરે મણિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી લખન પ્રજાપતિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી
મળતી માહિતી મુજબ,મણિનગરમાં રહેતી મહિલાના પતિએ પત્નીનો મોબાઈલ ચેક કરતાં આ આખા કાંડનો પર્દાફાશ થયો હતો.મહિલાના મોબાઈલ પર અલગ-અલગ અજાણ્યા નંબરો પરથી અજાણ્યા શખ્સ સાથેના તેના બીભત્સ ફોટા બનાવીને મોકલવામાં આવ્યા હતા.આટલું જ નહીં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર દેરાણી તેમજ તેની નણંદના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી હતી.અજાણ્યા નંબર પરથી સતત આવી રીલ્સ અને બીભત્સ સામગ્રી મોકલાતાં સમગ્ર પરિવાર ચોંકી ઊઠ્યો હતો.પરિવારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું કે,આ કૃત્ય પાછળ મહિલાની જેઠાણી સાથે ભાગી ગયેલા તેના પ્રેમી લખન પ્રજાપતિનો હાથ હતો.
મણિનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી
આરોપી લખન પ્રજાપતિ અવારનવાર સોશિયલ મીડિયા પર આવી બીભત્સ રીલ્સ અને ફોટા અપલોડ કરીને મહિલાને માનસિક રીતે હેરાન કરતો હતો અને તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીની આવી હલકી મનોવૃત્તિ અને સતત થઈ રહેલી સતામણીથી કંટાળીને આખરે પીડિત મહિલાએ હિંમત દર્શાવી મણિનગર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.મહિલાની ફરિયાદના આધારે પોલીસે લખન પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મણિનગર પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ નંબરોના ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
