અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં એક અત્યંત દર્દનાક અને કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ધંધુકા રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા બાઇકચાલકે અચાનક સ્ટેઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક રોડ ડિવાઈડર સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું. બાઇક ડિવાઈડર સાથે અથડાઈને રોડ પર ફેંકાયાની ગણતરીની સેકંડોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાળમુખા ડમ્પરે બંને યુવાનોને પોતાની અડફેટે લઈ કચડી નાખ્યા હતા.
ધોળી ગામના બે આશાસ્પદ યુવાનોના નીપજ્યું મોત
અકસ્માત એટલો સખત અને ભયાનક હતો કે, બાઇક પર સવાર બંને યુવાનોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળાં બ્રિજ પર એકઠા થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક બંને યુવાનો ધંધુકા તાલુકાના ધોળી ગામના રહેવાસી હતા.
- કિશનભાઈ ડાયાભાઈ પનાળીયા (ઉંમર વર્ષ 35, રહે. ધોળી, તા. ધંધુકા)
- અજયભાઈ અમરતભાઈ સાપરા (ઉંમર વર્ષ 27, રહે. ધોળી, તા. ધંધુકા)
ધંધુકા પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી
બનાવ અંગેની જાણ થતાં જ ધંધુકા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવાનોના મૃતદેહને કબ્જે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગામના બે યુવાનોના એકસાથે કરૂણ મોતથી ધોળી ગામમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.
આ પણ વાંચો – 30 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ અને મુખ્ય સમાચાર અને સંપૂર્ણ ઈતિહાસ
