આજકાલ સ્કૂલો અને કોલેજોની બહાર પાન ગલ્લાઓ,પ્રોવિઝન સ્ટોર અને નાના ગલ્લાઓ પર અલગ અલગ બ્રાન્ડના એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે.માત્ર 20થી લઈને 125-150 સુધીમાં મળતા આ એનર્જી ડ્રિંક્સ બાળકો અને યુવાનો ઈન્સ્ટન્ટ એનર્જી અને સ્ટાઈલ સ્ટેટસ માટે પી રહ્યા છે.એનર્જીના નામે પ્લાસ્ટિક કે કેનમાં વેચાતું આ પ્રવાહી નાની વયના બાળકોના શરીર અને મગજ પર ગંભીર અસરો કરી રહ્યું છે.નિષ્ણાત તબીબોના મતે, આ કોઈ હેલ્થ કે સ્પોર્ટ્સ ડ્રિંક નથી, પરંતુ કેફીન અને સુગરનું એક અત્યંત ખતરનાક કોકટેલ છે.
બજાર અંદાજે 200થી 400 કરોડ સુધી પહોંચી ગયું
ગુજરાત માર્કેટ સાઈઝની વાત કરીએ તો સંશોધન એજન્સીઓ અને એફએમસીજીના ડેટા અનુસાર,ભારતના કુલ એનર્જી ડ્રિંક માર્કેટમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8% થી 10% જેટલો છે.ગુજરાતમાં એનર્જી ડ્રિંક્સનું વાર્ષિક બજાર અંદાજે 200થી 400 કરોડ સુધી પહોંચી ગયું છે. રાજ્યના કુલ વેચાણમાંથી 60%થી વધુ વેચાણ માત્ર અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો અને તેની આસપાસની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ થાય છે.ભારતમાં એનર્જી ડ્રિંક્સનું માર્કેટ વર્ષ 2025-26માં અંદાજે અંદાજે 5000 કરોડથી 7000 કરોડની આસપાસ પહોંચવાનો અંદાજ છે.FSSAI અને ચાઇલ્ડ પ્રોટેક્શન ગાઇડલાઇન્સ મુજબ બાળકો માટે હાનિકારક અને વધુ કેફીન ધરાવતી ચીજો આસપાસ ન વેચાવી જોઈએ.છતાં સ્કૂલના ગેટ હજાર ગલ્લાઓ પર આ ડ્રિંક્સ ડિસ્પ્લેમાં મુકાય છે.

વાર્ષિક 15%થી 20%નો મજબૂત ગ્રોથ રેટ
આ સેક્ટર વાર્ષિક 15%થી 20%ના મજબૂત ગ્રોથ રેટ સાથે વધી રહ્યું છે.બજાર આટલું ઝડપથી કેમ કૂદકે-ભૂસકે તેના કારણો પણ ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર રૂ.20 વાળા એનર્જી ડ્રિંક્સની પહેલાં આવેલા પીણા 125થી 150માં મળતા હતા.જેથી તે અમુક વર્ગ સુધી સીમિત હતા.પરંતુ એક જાણીતી કંપનીએ 20 રૂપિયામાં એનર્જી ડ્રિંક્સ લોન્ચ કરીને આખું માર્કેટ બદલી નાખ્યું છે.આજે નાના બાળકો અને મધ્યમ વર્ગ સુધી આ ડ્રિંક પહોંચી ગયું છે.20થી 35ની પ્રાઈસ પોઈન્ટ હોવાથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દૈનિક પોકેટ મનીમાંથી આસાનીથી ખરીદી શકે છે.

વેપારીઓ પણ નફા માટે વેચી રહ્યા છે
ગુજરાતના નાના ગામડાઓ, હાઈવે પરના ધાબા અને સ્કૂલ-કોલેજની બહાર આવેલા નાના ગલ્લાઓ સુધી આનું નેટવર્ક વિસ્તરી ચૂક્યું છે.બીજું કે પ્રોવિઝન સ્ટોર અને પાન ગલ્લાના વેપારીઓને સામાન્ય સોફ્ટ ડ્રિંક્સ કે દૂધ-છાશ કરતાં એનર્જી ડ્રિંક્સમાં વધુ માર્જિન કે કમિશન મળે છે.એનર્જી ડ્રિંક્સની બોટલ પર ખૂબ જ ઝીણા અક્ષરે લખેલું હોય છે કે, બાળકો, સગર્ભા કે સ્તનપાન કરાવતી મહિલાઓ અને કેફીન પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓ માટે સલાહભર્યું નથી.છતાં 10 થી 15 વર્ષના બાળકો તેનો સરળતાથી ખરીદી રહ્યા છે અને વેપારીઓ પણ નફા માટે વેચી રહ્યા છે.
