Ahmedabad News: ધોળકાના ભેટાવાડામાં ગંદા પાણીના પ્રશ્ને ખેડૂત આગેવાનની ઉગ્ર ચીમકી

📅 Published: August 31, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે ગંદા અને કેમિકલયુક્ત ઝેરી પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોનું આંદોલન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું છે. 10 દિવસ વીતી ગયા હોવા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસંદ, નેસડા, પાલડી અને આંબારેલી એમ પાંચ ગામોના લોકોનો આક્ષેપ છે કે, ધોળકા નગરપાલિકા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ખુલ્લામાં ગંદુ અને કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરો

આ દૂષિત પાણીના કારણે સ્થાનિક ખેતી, પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે તથા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે.આંદોલનના 10મા દિવસે ખેડૂત આગેવાન પિન્ટુ કોળીએ ઉગ્ર ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આ દૂષિત પાણીના ટેન્કર ભરીને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને તેમજ ધોળકા નગરપાલિકા કાર્યાલયમાં ઠાલવવામાં આવશે. ગ્રામજનોએ પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું છે કે, ભલે આંદોલનમાં જીવ આપવો પડે, પણ જ્યાં સુધી પાણી બંધ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે.

દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરો

ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં પાંચેય ગામોમાં આવતું દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરવામાં આવે.પ્રદૂષિત પાણી ગામમાં આવતું રોકવા માટે રોડ લેવલથી 5 ફૂટ ઊંચી મજબૂત RCC દિવાલનું બાંધકામ કરવામાં આવે. અસરગ્રસ્ત ગ્રામજનો માટે નર્મદાના શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા થાય અને ભૂગર્ભજળ સુધારવાના પગલાં લેવાય.નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ, GPCB અને નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરાય.

આ પણ વાંચોઃ Ahmedabad News: હવેથી ખાનગી સોસાયટીમાં ઝાડ કાપવા માટે AMC ચાર્જ વસૂલશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *