Ahmedabad News : નરોડામાંથી 1.17 કરોડથી વધુની કિંમતનું 234 ગ્રામ કોકેઈન ઝડપાયું, એક શખ્સની અટકાયત

📅 Published: August 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત નરોડા પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. પોલીસે નરોડા GIDC અને નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ. 1.17 કરોડથી પણ વધુની બજાર કિંમત ધરાવતું 234 ગ્રામ જેટલું અત્યંત કિંમતી કોકેઈન ડ્રગ્સ ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના એક શખ્સની રંગેહાથ ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

234 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો

મળતી ચોક્કસ બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે નાના ચિલોડા અને નરોડા GIDC નજીકથી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હરેશ સૈન નામના શખ્સને અટકાવીને તેની તલાશી લેતાં તેની પાસેથી 234 ગ્રામ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને તે ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે આ ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

NDPS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં આ જપ્ત કરાયેલા કોકેઈનની અંદાજિત કિંમત રૂ. 1.17 કરોડથી વધુ અંકાય છે. પોલીસની દરોડા દરમિયાન મુખ્ય આરોપી હરેશ સૈન પકડાઈ ગયો હતો, પરંતુ તેની સાથે સંડોવાયેલા અન્ય બે સાગરીતો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. નરોડા પોલીસે આ ગંભીર મામલે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ અમદાવાદમાં કોને સપ્લાય કરવાનું હતું, તેના તાર અન્ય કયા મોટા ડ્રગ્સ પેડલર્સ સાથે જોડાયેલા છે તથા ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *