Ahmedabad News: નવરાત્રિમાં ડીજેના ઘોંઘાટ સામે હાઈકોર્ટનો સરકારને સરપ્રાઈઝ ચેકિંગ કરવા કડક આદેશ

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ દરમિયાન સાયલન્ટ ઝોનમાં ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરવા અંગેની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે ડીજેના બેફામ ઘોંઘાટ અને ન્યૂસન્સને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણ નાથવા માટે સરકારને સરપ્રાઈઝ ચેકિંગ કરવા અને અવાજ પ્રદૂષણ પર પ્રતિબંધ લાદતા નિયમો તેમજ માર્ગદર્શિકાઓનું કડક અમલીકરણ કરાવવા તાકીદ કરી હતી.વેરાવળમાં હોસ્પિટલની બાજુમાં નવરાત્રિના નામે ડીજેના બેફામ ઘોંઘાટ અને પબ્લિક ન્યૂસન્સ મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. 

ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવું જોઈએ

એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠકે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ પ્રશ્ન માત્ર વેરાવળ પૂરતો મર્યાદિત નથી,પરંતુ સમગ્ર રાજ્યને સ્પર્શતો અત્યંત ગંભીર પ્રશ્ન છે.આ સમગ્ર મામલે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી માહિતી મેળવી રાજ્ય સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે.હાઈકોર્ટે અવલોકન કર્યું કે, ડીજેના વધુ પડતા અવાજના કારણે પબ્લિક ન્યૂસન્સનો પ્રશ્ન નવરાત્રિના નવ દિવસ દરમિયાન વધુ ગંભીર બનતો હોય છે. જેથી સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવું જોઈએ. 

ડીજે વગાડી જોરદાર ઘોંઘાટ ફેલાવવામાં આવે છે

અરજદાર પક્ષ તરફથી ધ્યાન દોરાયું હતું કે,હોસ્પિટલ,શાળાઓ સહિતના સ્થળો સાયલન્ટ ઝોનમાં આવતા હોવા છતાં ત્યાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી બેફામ રીતે ડીજે વગાડી જોરદાર ઘોંઘાટ ફેલાવવામાં આવે છે.જેના કારણે બીમાર દર્દીઓ,સિનિયર સિટીઝન્સ,મહિલાઓ અને નાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અદાલતને માહિતી આપી હતી કે અંદાજે 75 ટકા કિસ્સાઓમાં રાત્રે 12 વાગ્યા પહેલાં અવાજ બંધ થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત તપાસ અને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે.આ મામલે લેવાયેલાં પગલાં અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા સરકારે કોર્ટ પાસે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો.

આ પણ વાંચોઃ Sayla : સાયલાના પ્રાગટય મેલડી માતાજીના સ્થાનકે ગામની બાળ જગદંબાઓ ગરબે ઘૂમી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *