Ahmedabad News: નવરાત્રિ દરમિયાન સુરક્ષા કડક, 4300 CCTV અને 36 SHE ટીમ કાર્યરત, પાંચ બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં નવરાત્રિના ઉત્સવ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકો શાંતિપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણમાં ગરબાની મજા માણી શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીના કારણે નવરાત્રિના પ્રથમ 3 દિવસ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. માત્ર મુખ્ય ચાર રસ્તાઓ પર સામાન્ય ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે ત્વરિત હલ કરી હતી.

4,300 સ્માર્ટ સીસીટીવી કેમેરાથી શહેર પર સતત નજર

અમદાવાદ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણને વધુ મજબૂત બનાવવા માટે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના 3,300 કેમેરા અને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળના 1,000 કેમેરા મળીને કુલ 4,300 સીસીટીવી કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ 3 દિવસમાં ટ્રાફિક જામ અંગે માત્ર 14 કોલ મળ્યા હતા, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

36 SHE ટીમ અને અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલા સુરક્ષા

નવરાત્રિના રાસ-ગરબા દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે વિશેષ રોડમેપ તૈયાર કર્યો છે. શહેરમાં મહિલા સુરક્ષા માટે…

  • 36 SHE ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
  • 12 અભયમ હેલ્પલાઈન વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
  • 36 ગરબા સ્પેશિયલ વાહનો દ્વારા ગરબા સ્થળોની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ahmedabad police Navratri 2026 (1)

SHE ટીમે રસ્તો ભૂલેલા 5 બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

પોલીસની સતર્કતાના કારણે નવરાત્રિ દરમિયાન એક ભાવુક અને પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. ગરબાના સ્થળો પર ભીડના કારણે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા અને રસ્તો ભૂલી ગયેલા 5 માસૂમ બાળકોને SHE ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ બાળકોનું તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું, જેથી પરિવારોએ અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

ahmedabad police Navratri 2026 (2)

ગરબા સ્થળો પર સીસીટીવી અને કડક પોલીસ બંદોબસ્ત

અમદાવાદ શહેરના તમામ નાના-મોટા ગરબા આયોજનો, ક્લબ અને પાર્ટી પ્લોટ પર ખાનગી સિક્યુરિટી સાથે પોલીસની સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. ગરબા સ્થળોના સીસીટીવી ફૂટેજનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસની આ કામગીરીથી ટ્રાફિક નિયંત્રણ અને મહિલા સુરક્ષા સુનિશ્ચિત થઈ છે, જેથી નાગરિકો નિર્ભય બનીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: 14 October Top News: કંગનાને રાહત! દિવ્યાંગોને આજીવન પેન્શન, ધ્રુવ રાઠી સામે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *