સુરતમાં તાજેતરમાં નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પણ એક ભૂતિયા ડિમોલિશન થયું હોવાનું સામે આવ્યું છે. નાના ચિલોડા ખાતે આવેલી કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ફરી વળતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલાસાએ આખા કિસ્સામાં રહસ્ય ઘેરૂ બનાવી દીધું છે. આ ઘટનામાં બિલ્ડરોનો અંદર અંદરનો ડખો હોવાની પણ વિગતો ચર્ચાએ ચડી છે.
દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરાઈ નથીઃ AMC
પ્રાપ્ત વિગતો મુજબ નાના ચિલોડા વિસ્તારમાં ડિમોલિશન કરવા પહોંચેલી ટીમે એવો દાવો કર્યો હતો કે તેઓ AMC તરફથી અનધિકૃત દબાણો દૂર કરવાની સત્તાવાર કામગીરી કરી રહ્યા છે.જે તે સમયે AMCની ટીમ હોવાનો દાવો કરીને દબાણ હટાવવાના નામે દુકાનો તોડી પાડવામાં આવી હતી.જ્યારે આ અંગે AMCના એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તંત્રએ આશ્ચર્યજનક રીતે સ્પષ્ટ રટણ કર્યું હતું કે નાના ચિલોડામાં તેમના દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કે દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે,નાના ચિલોડા ખાતે થયેલા ડિમોલિશનમાં AMCનો કોઈ જ રોલ નથી અને કોર્પોરેશન દ્વારા આવી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.AMCના અધિકારીઓએ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ ઘટના પ્લોટ માલિકના આંતરિક ડિસ્પ્યુટ અને ખાનગી પ્લોટમાં રહેલી ત્રણ દુકાનો સંબંધિત વિવાદના કારણે બની છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,આ મામલે રાજપૂત સિક્યુરિટીના લોકોને પણ મળ્યા છીએ અને AMCનું નામ વટાવીને જે એજન્સીએ આ ગેરકાયદે કામગીરી કરી છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. સમગ્ર કિસ્સામાં ખાનગી માલિકીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને AMCનું નામ ખરાબ કરનાર બોગસ એજન્સી સામે કડકમાં કડક પગલાં લેવાશે.
બિલ્ડરોમાં અંદર અંદર ડખો થયો હોવાની ચર્ચા
AMCની આ ચોંકાવનારી કબૂલાત બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો કોર્પોરેશનનું બુલડોઝર ન હતું તો પછી AMCના નામે લાખો રૂપિયાનું નુકસાન કરીને દુકાનો જમીનદોસ્ત કરનારા આ લોકો કોણ હતા? આ સમગ્ર ઘટના કોઈ સરકારી કાર્યવાહી નહીં પરંતુ ખાનગી જગ્યા કે જમીનને લગતી આંતરિક બબાલ અને બિલ્ડરોમાં અંદર અંદર ડખો થયો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.કોઈ ખાનગી જૂથે કે ભૂમાફિયાઓએ પોતાના સ્વાર્થ ખાતર AMCના નામે બોગસ ડિમોલિશન રચ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.નાના ચિલોડાના સ્થાનિક વેપારીઓએ વહીવટી તંત્ર તથા પોલીસ સમક્ષ ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
