Ahmedabad News: બાવળા-બગોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત, રખડતાં ઢોરે લીધો માસુમનો જીવ

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ પરિવારના પતિ, પત્ની અને તેમની 3 વર્ષની માસુમ દીકરી બાઇક પર સવાર થઈને બાવળાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કેરાળા GIDC નજીક આવેલા ઓઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે અચાનક રસ્તા પર ગાય આડી આવી ગઈ હતી. પૂરપાટ જતી બાઇક ગાય સાથે જોરદાર અથડાતાં ત્રણેય સવારો માર્ગ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

3 વર્ષની માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત

અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ઈજાગ્રસ્ત પતિ, પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલ પહોંચાડતાં જ ફરજ પરના તબીબોએ ચકાસણી કરીને 3 વર્ષની બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની નજર સામે જ માસુમ દીકરીનું મોત થતાં માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

આ બનાવ અંગે જાણ થતાં જ કેરાળા GIDC પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે માસુમ બાળકીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે પર અચાનક રખડતાં ઢોર આવી જવાના કારણે માસુમ બાળકીએ જીવ ગુમાવવો પડતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *