Ahmedabad News: ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ દારૂની હેરાફેરી ચાલુ, ચાંગોદરમાં 72 લાખથી વધુનો દારુ પકડાયો

📅 Published: August 26, 2026 | 📂 Category: Ahmedabad

ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી છે. ઠેર ઠેર પોલીસની ટીમોએ દરોડા પાડીને દારુના અડ્ડા અને જથ્થાને ઝડપી પાડવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ દારૂની હેરાફેરી રોકવા માટે સક્રિય થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદર વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં દરોડા પાડીને 72.50 લાખની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.  

મહારાષ્ટ્ર અને ભાવનગરના કુલ 4 આરોપીઓની ધરપકડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે ચાંગોદર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર છાપો મારીને રૂ 72.50 લાખની કિંમતનો 795 પેટી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસની આ સફળ કામગીરી દરમિયાન દારૂ ઉપરાંત વાહનો સહિત કુલ રૂ.96.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ આ ગેરકાયદેસર હેરાફેરી અને સંગ્રહના ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્ર અને ભાવનગરના કુલ 4 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.

નરોડાનો પોલીસ કર્મી સસ્પેન્ડ 

અમદાવાદ પોલીસ કમિશનરના દારૂ વિરોધી ડ્રાઈવના કડક આદેશો વચ્ચે નરોડા પોલીસ સ્ટેશનના જનક નામના પોલીસકર્મીનો એક સેટલમેન્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.ગત 24 ઓગસ્ટે નરોડા સિટી સેન્ટર પાછળના ખુલ્લા મેદાનમાંથી પોલીસે રેડ પાડીને કાર,વિદેશી દારૂના 43 ક્વાર્ટર અને મોબાઈલ મળી રૂ.5,18,975નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી હતી અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.પરંતુ તે જ કેસમાં દારૂ પકડનાર પોલીસકર્મીએ જ બુટલેગર પાસેથી મામલો થાળે પાડવા રૂ.3થી 3.50 લાખની માંગણી કરી હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે.આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી જનકભાઈ પુંજાભાઈને સસ્પેન્ડ કરાયો છે.

આ પણ વાંચોઃ Mehsana News: અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલનો હત્યારો પકડાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *