અમદાવાદના વાડજ અને મકરબા બ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારે લોકાર્પણ કરાયું હતું.જેમાં 98.60 કરોડના ખર્ચે બનેલો મકરબા રેલવે ઓવર બ્રિજ વાહનચાલકો માટે રાહત લાવવાના બદલે ગણતરીના કલાકોમાં જ આફત સાબિત થયો છે.સરખેજ-જુહાદીથી SG હાઈવેને જોડતા મહત્વપૂર્ણ મકરબા બ્રિજનો એક છેડો સીધો જ સાંકડા કોર્પોરેટ રોડ પર ઉતરતો હોવાથી અને આગળ 10 મીટરનું પણ યોગ્ય માર્જિન ન રખાયું હોવાથી સાંજના સમયે વેજલપુર ઓવરબ્રિજ સાથે કનેક્ટિવિટી ધરાવતા ચાર રસ્તા પર કલાકો સુધી ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો.
અણઘડ એન્જિનિયરિંગ અને પ્લાનિંગની ગંભીર ખામીઓ
ટ્રાફિક જામમાં સામાન્ય વાહનચાલકો સાથે ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં અમ્યુકો તંત્રના અણઘડ એન્જિનિયરિંગ અને પ્લાનિંગની ગંભીર ખામીઓ ખુલ્લી પડી ગઈ છે.સ્થાનિકો અને નિષ્ણાતો દ્વારા અગાઉથી જ જે આશંકા વ્યક્ત કરાઈ રહી હતી તે જ વાત પ્રથમ દિવસે સાચી ઠરી છે.બ્રિજનો એક છેડો સીધો જ કોર્પોરેટ રોડ પર આવીને પૂરો થાય છે.સૌથી મોટી ખામી એ છે કે બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં વાહનોના ફ્લોને સરળ બનાવવા માટે 10 મીટરની પણ પૂરતી જગ્યા કે માર્જિન રખાયું નથી.બ્રિજ પરથી પૂરઝડપે આવતા વાહનો સીધા જ સાંકડા રોડ પર એકઠા થતાં બોટલનેકની સ્થિતિ સર્જાઈ હતી.
વેજલપુરના ધારાસભ્યએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનરને પત્ર લખીને મકરબા ઓવરબ્રિજના છેડે અને કોર્પોરેટ રોડના છેડે ટ્રાફિક સિગ્નલ મૂકવા તેમજ ટ્રાફિક પોલીસની નિયમિત વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે.ઓવરબ્રિજના છેડે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કારણે પીક અવર્સમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ ગંભીર સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.આ પરિસ્થિતિ સામે અમ્યુકો તંત્ર સાવ લાચાર નજરે પડ્યું હતું. તંત્રએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે,આ જંક્શન પર હવે કેપ્સ્યુલ ટાઇપની ડિઝાઇનથી જંક્શનને આવરી લેવાશે જેથી ટ્રાફિક સરળ બની શકે.પરંતુ સવાલ એ થાય છે કે આ પ્લાનિંગ બ્રિજના નિર્માણ પહેલાં કેમ ન કરાયું?
આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે 19 નામો જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
