અમદાવાદમાં રૂ.100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મકરબા રેલવે ઓવરબ્રિજની ક્ષતિગ્રસ્ત ડિઝાઇનને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે.શહેરીજનોને હાલાકી ભોગવવી પડતી હોવા છતાં આ બાબતે શહેરના મેયર,મ્યુનિસિપલ કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગંભીર લાગતી નથી.આ જ કારણથી મકરબા રેલવે ઓવરબ્રિજની ખામીયુક્ત ડિઝાઇન બનાવનાર કન્સલ્ટન્ટ ‘ડેલ્ફ’ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.નોંધનીય છે કે,આ એજન્સીને વર્ષ ૨૦૨૦માં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જે પછી એજન્સીએ હાઇકોર્ટમાંથી સરકારના નિર્ણય સામે મનાઈહુકમ મેળવી લીધો હતો.
ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દીધી
આ વિવાદિત એજન્સીને બચાવવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા ભાજપના એક મોભાદાર નેતાએ હવાતિયાં શરૂ કર્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.માર્ગ અને મકાન વિભાગના વિશેષ ફરજ પરના અધિકારી દ્વારા ડેલ્ફ કન્સલ્ટન્સીને બ્લેકલિસ્ટ કરવા 27 નવેમ્બર 2020ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો.આ નિર્ણય કરવા પાછળ એજન્સી દ્વારા કરવામાં આવેલા આયોજન અને ડિઝાઇનિંગમાં ગેરરીતિ તેમજ ક્ષતિઓ તપાસ દરમિયાન બહાર આવી હતી.સરકારના નિર્ણય સામે એજન્સીએ હાઇકોર્ટમાંથી સ્ટે મેળવતાં,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બ્રિજ પ્રોજેક્ટ વિભાગે મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષના વિરોધ છતાં તેને મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દીધી હતી.
ચેરમેન મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપતા નથી
મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને એક તરફ શહેરીજનો રોજબરોજ હેરાન-પરેશાન થઈ રહ્યા છે છતાં ભાજપના જ નેતાના દબાણને કારણે ડેલ્ફ કન્સલ્ટન્સી સામે પગલાં લેવા માટે શહેરના મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરને સૂચના પણ આપતા નથી.કોર્પોરેશન વર્તુળોમાં સાંભળવા મળતી ચર્ચા મુજબ,ડેલ્ફ કન્સલ્ટન્સીના કર્તાહર્તાઓ સાથે નિકટના સંબંધ ધરાવતા ભાજપના આ જ નેતાએ જ્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તરફથી ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો પરિપત્ર કરાયો હતો તે સમયે પણ એજન્સીની વહારે આવીને તેના બ્લેકલિસ્ટિંગના સમયગાળાને ટૂંકાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ડેલ્ફની જેમ કસાડ કન્સલ્ટન્ટ પ્રા.લિ.પણ કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાયેલી છે.
આ કામ માટે કોન્ટ્રાક્ટર રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બ્રિજનો કેરેજ-વે બેસી જવાના કારણે કસાડ કન્સલ્ટન્સીને પ્રતિબંધિત કરવામાં આવી હતી.તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં અને ચોમાસા પછી શહેરના 82 બ્રિજના નિરીક્ષણ માટેની પેનલમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જો કે વિપક્ષ તરફથી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતાં આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ વિવાદાસ્પદ પેનલની નિમણૂક રદ કરવી પડી હતી.મકરબા રેલવે ઓવરબ્રિજ પછી હેબતપુર રેલવે ઓવરબ્રિજ પણ ચાર રસ્તા ઉપર જ પૂરો થશે.આ બ્રિજ ઉપરાંત બુટભવાની, વેજલપુર તથા જૂના એલિસબ્રિજના પુનઃનિર્માણ માટે ડિઝાઇન કન્સલ્ટન્સી કસાડ કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવી છે.રૂ.24.6 કરોડના ખર્ચે જૂના એલિસબ્રિજનું પદયાત્રીઓના ઉપયોગ માટે રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે.11 સપ્ટેમ્બર 2026 સુધીની મુદત ધરાવતા આ કામ માટે કોન્ટ્રાક્ટર રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પણ કસાડ પાસે જ છે.
