અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકર્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાસ્થ્યની સ્થિતિ ચિંતાજનક બનતા નાગરિકોમાં ભારે હાહાકાર મચી ગયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ચાલુ માસ દરમિયાન રોગોના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ચાલુ માસમાં નોંધાયેલા રોગોના આંકડા
શહેરભરમાંથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ મહિને વિવિધ બીમારીઓના ગંભીર કેસ સામે આવ્યા છે.
- ડેન્ગ્યુના કેસ: 604
- મેલેરિયાના કેસ: 129
- ટાઇફોઇડના કેસ: 236
- ઝાડા ઉલટીના કેસ: 194

પાણીની ગુણવત્તા અને મચ્છર બ્રિડિંગ સામે AMCની લાલ આંખ
અમદાવાદ શહેરમાં શુદ્ધ પાણીની પરાકાષ્ઠા અને સ્વચ્છતાની ચકાસણી માટે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 6585 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 19 સેમ્પલ ફેલ નીવડ્યા હતા. આ ઉપરાંત, મચ્છરના બ્રિડિંગને ડામવા માટે મનપાનું સઘન ચેકિંગ અભિયાન ચાલુ છે.
આરોગ્ય વિભાગ દ્વારા 1153 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 104 એકમોમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યું હતું. આ ગંભીર બેદરકારી અને બ્રિડિંગ મળવાના કારણે કુલ 202 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને તંત્ર દ્વારા 6 લાખ રૂપિયાથી વધારેનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું AMC આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad News: દિવાળી પહેલા હરકતમાં આવ્યું AMC, કાલુપુરમાં ફટાકડાની 30 દુકાનો સીલ કરી
