Ahmedabad News : "મૌખિક નહીં, લેખિત બાંહેધરી જોઈએ", સરકાર સામે અમદાવાદના વકીલો આરપારના મૂડમાં, હડતાળ યથાવત

📅 Published: October 7, 2026 | 📂 Category: Ahmedabad

વકીલોની ચાલી રહેલી હડતાળ મુદ્દે અમદાવાદ સિટી સિવિલ કોર્ટ ખાતે વકીલો આકરા મૂડમાં જોવા મળ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ના આહવાન સામે સિટી સિવિલ કોર્ટના બંને બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. વકીલોની સામાન્ય સભા (જનરલ બોડી) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈને બંને એસોસિએશનના વર્તમાન પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિને પહોંચી વળવા અને આંદોલનનું નેતૃત્વ કરવા માટે હાલ પૂરતા 3 કાર્યકારી પ્રમુખો તરીકે વીનુભાઈ દીક્ષિત, કલ્પેશ પટેલ અને ઇલિયાસ પઠાણની નિમણૂક કરવામાં આવી છે.

10 ઓક્ટોબર સુધી હડતાળ યથાવત રહેશે

અમદાવાદના વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પડતર માગણીઓ અંગે સરકાર દ્વારા માત્ર મૌખિક આશ્વાસન આપવાથી કામ નહીં ચાલે. જ્યાં સુધી સરકાર તરફથી તમામ માગણીઓ અંગે સત્તાવાર લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ સમેટાશે નહીં. આ આંદોલન અને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય આગામી 10 ઓક્ટોબર સુધી યથાવત રાખવામાં આવ્યો છે, જેના કારણે કોર્ટનું કાનૂની કામકાજ અટકી પડવાની પૂરતી શક્યતા છે.

ભાડા વિધેયક રદ્દ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરો

વકીલો દ્વારા સરકાર સમક્ષ મુખ્ય ત્રણ આકરી માગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ, વિવાદિત ‘ગુજરાત ભાડા વિધેયક’ તુરંત પાછું ખેંચવામાં આવે; દ્વિતીય, વકીલોની સુરક્ષા માટે ‘એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ સત્વરે લાગુ કરવામાં આવે; અને તૃતીય, રેવન્યુ તેમજ કંપની એક્ટ હેઠળની તમામ ન્યાયિક સત્તાઓ પુનઃ કોર્ટને સોંપવામાં આવે. આ માગણીઓ સંતોષાયા બાદ જ વકીલો કોર્ટ કામગીરીમાં પરત ફરશે.

આ પણ વાંચો : Jamnagar News : સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરવાનો ખેલ ખુલ્લો, પોલીસે રૂ. 6.15 લાખના મુદ્દામાલ સાથે વાહન ઝડપી પાડ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *