ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં વલ્લભસદન નજીક એક યુવક તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવી પહોંચ્યો હતો.આ શખ્સે બંનેને અચાનક રોકીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.તેણે પોતે અસલ પોલીસ હોવાનો દાવો કર્યો હતો.આ શખ્સે યુવક અને તેની મિત્રના ફોટા તથા વીડિયો ઉતાર્યા હોવાનું જણાવી બંનેને ખોટી રીતે ડરાવવાનું શરૂ કર્યું હતું.આ શખ્સે ધમકી આપી હતી કે તે આ તમામ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.ફોટા અને વીડિયો વાયરલ ન કરવાના બદલામાં તેણે બદનામીનો ડર બતાવીને યુવક પાસેથી રૂ.10 હજારની માગણી કરી હતી.યુવક અને તેની મહિલા મિત્ર અત્યંત ગભરાઈ ગયા હતા.
ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી
નકલી પોલીસ બનેલા આ શખ્સે પૈસા વસૂલવા માટે યુવક પર સતત દબાણ ચાલુ રાખ્યું હતું.ત્યારબાદ તે યુવકને પોતાની સાથે પાલડી વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો.ત્યાં પહોંચીને તેણે યુવક પાસે પેટ્રોલ પંપનો ક્યૂઆર કોડ સ્કેન કરાવ્યો હતો.ક્યૂઆર કોડ સ્કેન કરાવીને તેણે યુવકના ખાતામાંથી રૂ.5 હજાર ઓનલાઇન પડાવી લીધા હતા. આટલેથી સંતોષ ન માનતા તેણે બાકીના રૂ.5 હજારની રકમ રોકડ સ્વરૂપે મેળવી લીધી હતી. આરોપીએ યુવક પાસેથી કુલ રૂ.10 હજાર પડાવી લીધા હતા.નાણાં મેળવી લીધા બાદ આ શખ્સનો ત્રાસ અટક્યો ન હતો.તેણે યુવકને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.જો તે આ બાબતે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા દિવસે પણ ફોન કરીને વધુ રૂ.10 હજાર માગ્યા
રૂપિયા પડાવ્યા બાદ પણ આરોપીની દાનત બગડી હતી અને તેણે યુવકની મહિલા મિત્રનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો.આ નંબર મેળવ્યા બાદ તેણે બીજા દિવસે ફરીથી સંપર્ક કર્યો હતો.આરોપીએ બીજા દિવસે પણ ફોન કરીને વધુ રૂ.10 હજારની માગણી કરી હતી.આ નવી માગણીથી કંટાળીને યુવકે આખરે કાયદાકીય પગલું ભરવાનું નક્કી કર્યું હતું.યુવકે આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકમાં પહોંચીને વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પોલીસની ખોટી ઓળખ આપનાર આ આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરૂદ્દીન શેખ છે.પોલીસે આ શખ્સની ઓળખ મેળવીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Banaskantha News: થરા નગર પાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ, જાણો કોણ બન્યું પ્રમુખ?
