Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત

📅 Published: September 15, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમનના સરેઆમ ભંગને કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.શહેરના વ્યસ્ત ગણાતા એવા અંજલી બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક અનિયંત્રિત ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે બ્રિજની છેડે સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર આ ગંભીર અકસ્માત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે અંજલી બ્રિજના છેડા પર સર્જાયો હતો.બાઈક સવાર બે યુવકો પોતાના નિયમિત રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી.ટ્રક ચાલકની આ બેદરકારી અને ઓવરસ્પીડના કારણે બાઈક ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

એક યુવકનું ઘટનાસ્થળે જ મોત બીજો ગંભીર ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માતની ઘટના જાણીને આસપાસના લોકો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. 

ઈસ્કોન બ્રિજ પર બે અકસ્માત

ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ પણે વાહન હંકારનારા લોકો અકસ્માત સર્જી રહ્યાં છે. આજે સવારે ઈસ્કોન બ્રિજ પર એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા હતાં. કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલા કામને કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન બોર્ડ સાથે એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે એક ટ્રક ચાલકે બ્રિજ પાસે ગોઠવેલા બેરિકેટ તોડ્યા હતાં. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ બેફામ ચાલકો દ્વારા થતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યાં છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News:આજે ઈસ્કોન બ્રિજ એક જ જગ્યાએ 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જીવલેણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *