Ahmedabad News: લાલ દરવાજા સ્થિત બહુચર માતાના મંદિરમાં દર્શન કરતા વૃદ્ધનો આઈ ફોન ચોરી તસ્કર ફરાર

📅 Published: August 24, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના ભીડભાડ વાળા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ બહુચર માતાના મંદિરમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.મંદિરમાં માતાજીના દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુ વૃદ્ધનો કિંમતી આઈફોન તસ્કરે નજર ચૂકવીને સેરવી લીધો હતો.આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ છતી કરવાના ચક્ર ગતિમાન કર્યા છે. 

તસ્કર ભીડનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો

પીડિત વૃદ્ધ લાલ દરવાજા સ્થિત બહુચર માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જ્યારે વૃદ્ધ માતાજીના દર્શનમાં અને ભક્તિમાં લીન હતા ત્યારે જ ચોરે તેમની આસપાસ રેકી કરીને તકનો લાભ ઉઠાવ્યો હતો.વૃદ્ધનું ધ્યાન ન હતું ત્યારે તસ્કરે અત્યંત ચાલાકીપૂર્વક તેમના ખિસ્સામાંથી આઈફોન બહાર કાઢી લીધો હતો અને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.દર્શન પૂર્ણ કરીને મંદિરની બહાર આવ્યા બાદ જ્યારે વૃદ્ધે પોતાનો ફોન તપાસ્યો ત્યારે તેમને ખિસ્સામાંથી આઈફોન ગાયબ હોવાની જાણ થઈ હતી. 

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

તેમણે તુરંત જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.ત્યારબાદ મંદિર તંત્રની મદદથી સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા એક અજાણ્યો શખ્સ વૃદ્ધના ખિસ્સામાંથી ફોન ચોરતો નજરે પડ્યો હતો.પોતાની સાથે થયેલી ચોરી અંગે વૃદ્ધે નજીકના કારંજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કારંજ પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક સ્થળો પર વધતી જતી આવી ઘટનાઓને પગલે પોલીસે દર્શનાર્થીઓને પણ પોતાની કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *