વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા ખાતે આવી રહ્યા છે.જેઓ શહેરના ફતેગંજ ખાતે આવેલા એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતેથી રૂ.35200 કરોડથી વધુના વિકાસ કામોની દેશને ભેટ આપશે.તેમાં રૂ.32609 કરોડથી વધુના કેન્દ્ર સરકારના અને રૂ.2597 કરોડથી વધુના રાજ્ય સરકારના પ્રોજેક્ટ સામેલ છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. મંગળવારે બપોરે 12 કલાકે વડાપ્રધાન એમ.એસ.યુનિવર્સિટીના ફતેગંજ ખાતે આવેલ પેવેલિયન મેદાન પર જેન-ઝી, ડોક્ટર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતના બુદ્ધિજીવીઓને સંબોધશે.
જેનઝી અને બુદ્ધિજીવીઓને સંબોધશે
આ વિકાસકામોમાંકેન્દ્ર સરકારના રૂ.32609 કરોડથી વધુના કામોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના રૂ.1840 કરોડના પ્રોજેક્ટ સામેલ રહેશે. સૌથી મોટા પ્રોજેક્ટ ભારતીય રેલવે વિભાગના છે.જેમાં રૂ.30766 કરોડના કામો સામેલ છે.અન્ય રેલવે લાઈનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ કરવાની સાથે વડોદરા-ડાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર માલગાડીનું ફ્લેગ ઓફ કરાશે.પ્રધાનમંત્રી મોદી બપોરે 12 કલાક થી 1.15 કલાક સુધી વિશેષ ઉપસ્થિત રહેશે અને બુદ્ધિજીવીઓને સંબોધશે.બપોરે તેઓ વડોદરાથી નવસારી ખાતે જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે જવા માટે નીકળશે.
35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ
PM નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સવારે 11:30 વાગ્યે સમગ્ર રાજ્ય માટે રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.આ પ્રવાસ દરમિયાન PM મોદી રૂ.20,700 કરોડના ખર્ચે તૈયાર થયેલા 326 કિલોમીટર લાંબા WDFC સેક્શનને રાષ્ટ્રાર્પણ કરવાની સાથે વડોદરા-ટાંડા રોડ નવી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપશે, તેમજ રૂ.9,700 કરોડના નવા રેલવે પ્રોજેક્ટ્સ, રૂ.1,780 કરોડના 3 નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ અને વડોદરા રિંગ રોડ ફેઝ-2 સહિત કડાણા ડેમ પર 110 MWના સોલાર પ્રોજેક્ટ જેવા રાજ્ય સરકારના રૂ.2,600 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપશે.
રેમ્પ પર ચાલીને હેડસેટ લગાવીને સીધો સંવાદ કરશે
આ વિકાસકાર્યોની સોગાદ આપ્યા બાદ વડાપ્રધાન નવસારીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાજપ કાર્યાલય અને અન્ય લોકકલ્યાણકારી સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.આજે વડાપ્રધાન મોદી વડોદરાના પ્રવાસ દરમિયાન એક નવી પદ્ધતિ અપનાવશે. જેમાં તેઓ બપોરે 12 વાગ્યા સુધીમાં એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પહોંચીને ડોમમાં ખાસ બનાવવામાં આવેલા રેમ્પ પર ચાલીને હેડસેટ લગાવીને સીધો સંવાદ કરશે.આ વિશેષ આયોજનમાં રેમ્પની નજીક જ યુવાનો અને પ્રોફેશનલ્સ બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યુવાનો સાથે રૂબરૂ ચર્ચા કરવાની સાથે તેમની સાથે સેલ્ફી પણ લઈ શકે.
