Ahmedabad News : વસ્ત્રાપુરમાં ચકચારી ઘટના! હિમાલયા આર્કેડના 4થા માળેથી યુવકે ઝંપલાવ્યું, CCTV સામે આવ્યા

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આપઘાતની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર ખાતે આવેલા જાણીતા ‘હિમાલયા આર્કેડ’ નામના કમર્શિયલ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી એક અજાણ્યા યુવકે અચાનક જ નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી નીચે પટકાતાં જ યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષમાં હાજર વેપારીઓ અને રાહદારીઓમાં ભારે અફરાતફરી સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આપઘાત કરતા પહેલા 3 કલાક કોમ્પ્લેક્ષમાં ફરતો રહ્યો યુવક

આ આપઘાતની ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આત્મહત્યા કરનાર યુવક પોતાનું અંતિમ પગલું ભરતા પહેલા છેલ્લા 3 કલાકથી હિમાલયા આર્કેડ કોમ્પ્લેક્ષમાં સતત આંટાફેરા મારી રહ્યો હતો. યુવક કોમ્પ્લેક્ષની અલગ-અલગ ગેલેરી અને પેસેજમાં વિચારમગ્ન અવસ્થામાં ફરતો નજરે પડ્યો હતો, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કોઈ ગંભીર માનસિક તણાવમાં હતો.

આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વસ્ત્રાપુર પોલીસની તપાસ શરૂ

બનાવની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવાની કામગીરી હાથ ધરી હતી. યુવકે કયા કારણોસર ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી તેની પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા CCTV ફૂટેજ મેળવીને મૃતક યુવકની સત્તાવાર ઓળખવિધિ કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડનો રેલો દિલ્હી પહોંચ્યો, મિથેનોલ સપ્લાય કરનાર વધુ 3 આરોપીઓની SMC દ્વારા ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *