યુકેના ઓસીઆઈ કાર્ડ ધારક એવા મૂળ ભારતીય અને ગુજરાતમાં જન્મેલા પણ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં એક સંવેદનશીલ મુદ્દો ઉઠાવતી જાહેરહિતની રિટ અરજી કરી છે. અરજદારે ભારતની પ્રવર્તમાન સ્થિતિને લઈને અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે,અરજદાર ભલે યુકેના ઓસીઆઈ કાર્ડ હોલ્ડર હોય,પરંતુ તેઓ ભારતમાં પણ આવીને રહે છે તેમ છતાં ભારત દેશ હવે બદલાઈ ગયો છે અને અહીંનો સમાજ બહુ જ બદલાઈ ગયો છે. મહિલાઓ અને બાળકો,ખાસ કરીને છેવાડાના લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ભારત દેશ હવે પહેલાં જેવો સુંદર રહ્યો નથી અને અહીં હવે કાયદા વગરના સમાજ જેવું વાતાવરણ લાગે છે.
અધિકારો સહિતના મુદ્દે કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા
હાઈકોર્ટે યુકેના નાગરિક અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર પીઆઈએલ કરી શકે કે કેમ તેમજ તેમના કાયદાકીય અધિકારો સહિતના મુદ્દે કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા હતા.સાથે સાથે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરના હકો સહિતના મુદ્દાઓ પર ગુજરાત સરકારને આગામી 7મી ડિસેમ્બરના રોજ વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.અરજદારે પોતાની અરજીમાં પક્ષકારો તરીકે ગુજરાત રાજ્ય,પોલીસ કમિશનર,ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન,ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો,હ્યુમન રાઇટ્સ કમિશન, ચાઇલ્ડ રાઇટ્સ કમિશન વગેરેને જોડ્યા છે.
યુકેમાં પણ જાતિવાદનું દૂષણ: અરજદાર
અરજદારે વધુમાં એવો પણ નિખાલસ સ્વીકાર કર્યો હતો કે,તેઓ અત્યારે કરજણ, બરોડા ખાતે રહે છે.તેઓ યુનાઇટેડ કિંગડમમાં અન્યાયનો ભોગ બન્યા છે અને ત્યાં પણ જાતિવાદનું દૂષણ છે.ત્યાંના લોકો તેમને પોતાના દેશ પરત ફરી જવા માટે કહેતા હતા.ભારત એક સુંદર દેશ છે,પરંતુ અત્યારે તેઓને અહીં કાયદા વગરના સમાજ જેવું લાગી રહ્યું છે.તેઓ પરત યુનાઇટેડ કિંગડમ જવા માંગતા નથી. તેઓ અરજી પાછળ પૈસા પણ ખર્ચી રહ્યા છે અને તેમની એકમાત્ર ઇચ્છા છેવાડાના લોકોની મદદ કરવાની છે.અરજદાર પક્ષ તરફથી જણાવાયું હતું કે,તેઓ મૂળ ભારતીય છે,તેમનો જન્મ ગુજરાતમાં થયો છે.તેમના પિતા બી.એસસી.ઈન એગ્રીકલ્ચર હતા. અરજદાર ભારતમાં આવીને રહે પણ છે. પરંતુ દેશ હવે બદલાઈ ગયો છે.સોસાયટી બદલાઈ ગઈ છે.મહિલાઓ અને બાળકો વગેરે છેવાડાના લોકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.
બીજા દેશના નાગરિકો ભારતની બાબતોમાં દખલ ના કરી શકે
જેથી હાઈકોર્ટે અરજદારને સવાલ કર્યો હતો કે, તમે યુનાઇટેડ કિંગડમના નાગરિક છો તો ભારતમાં કેટલો સમય રહો છો? તમારા કહ્યા મુજબ તમે ૧ વર્ષ અને ૧૫ દિવસ ભારતમાં રહ્યા છો, તો આટલા સમયમાં તમે ભારત વિશે શું જાણ્યું? તમે સંપૂર્ણપણે ભારતીય નાગરિકતા ધરાવતા નથી, તો શું તમે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી ફાઈલ કરી શકો?રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે દરમિયાનગીરી કરતાં જણાવાયું કે, ઓસીઆઈ કાર્ડ હોલ્ડરના હક્કો અત્યંત મર્યાદિત હોય છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે, જો અરજદાર ભારતમાં મતદાતા જ ન હોય તો તેને કયા હક્ક મળે છે? બીજા દેશના નાગરિકો ભારતની બાબતોમાં દખલ કરી શકે નહીં.
શું ઓસીઆઈ કાર્ડ હોલ્ડર જાહેરહિતની રિટ અરજી કરી શકે?
આ અંગે અરજદારે જણાવ્યું હતું કે,ભારતના નિર્બળ લોકોનો અવાજ બનીને તેમને શું અંગત ફાયદો મળવાનો? સરકાર પક્ષે સ્પષ્ટતા કરી કે, ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને ફક્ત દેશમાં રહેવાની મંજૂરી મળે છે,સંપૂર્ણ નાગરિકતા નહીં.તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજદાર નાગરિક અને રાજ્ય સરકાર બંનેને નિર્દેશ કર્યો હતો કે,શું ઓસીઆઈ કાર્ડ હોલ્ડર જાહેરહિતની રિટ અરજી કરી શકે તે કાયદા મુજબ સાબિત કરો. હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પેસિફિક નિર્દેશ આપ્યો કે, શું ઓસીઆઈ કાર્ડ હોલ્ડર ભારતના નાગરિકો માટે આવી પીઆઈએલ દાખલ કરી શકે અને તેમના કાયદાકીય અધિકારો કે હક્કો શું હોય છે, તે સહિતના મુદ્દે સરકાર વિગતવાર જવાબ રજૂ કરે.હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા.7મી ડિસેમ્બર પર મુલતવી રાખી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: બિનમાન્યતા પ્રાપ્ત 6 રાજકીય પાર્ટીને 5 વર્ષમાં 3689 કરોડનાં ડોનેશન મળ્યા
