Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ એરપોર્ટ પરથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સનો મંગળવારથી આરંભ કરાયો હતો.નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે,દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ ચાલી રહી છે. 

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છે

તેમણે કહ્યું હતું કે, વિમાનમાં અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો હોવાના કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છે.એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ ખૂબ જલ્દી જાહેર કરાશે.ઉડ્ડયન સલામતીને વધુ મજબૂત બનાવવા માટે દરેક પાયલટનું વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ફરજિયાત મૂલ્યાંકન અને ચકાસણી પણ કરાશે.વારાણસી અને અમૃતસર બાદ હવે અમદાવાદમાં હબ એન્ડ સ્પોક વ્યવસ્થાનો આરંભ કરાયો છે.વર્ષ 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા.જેની સંખ્યા વધીને આજે 166 થઈ ગઈ છે.આગામી 10 વર્ષ દરમિયાન આશરે રૂ.30 હજાર કરોડના ખર્ચે નવા 100 એરપોર્ટ વિકસાવાશે. 

સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશે

તેમણે ઉમેર્યું હતું કે, હબ એન્ડ સ્પોક મોડલનો સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશે.નવી વ્યવસ્થા હેઠળ મુસાફર અમદાવાદમાં જ એક વખત લગેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ ગંતવ્ય સુધી વધુ સરળતાથી મુસાફરી કરી શકશે અને તેને અંતિમ ગંતવ્ય પર જ પોતાનું લગેજ મળી શકશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભારતનો 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાનની વિકાસલક્ષી વિચારધારાની સાક્ષી પૂરે છે.એક સમયે હવાઈ મુસાફરી અમીર વર્ગ સુધી મર્યાદિત હતી, પરંતુ ઉડાન યોજના બાદ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પણ હવાઈ મુસાફરી વધુ સુલભ બની છે.રાજ્યમાં હાલમાં 19 એરપોર્ટ છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *