અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાંથી ગંદકી દૂર કરી સફાઈ કરવા અને હવે તળાવના પાણીમાં ઓક્સિજન લેવલ વધારવા ચાર કરોડના ખર્ચેથી 97 પૈકી 29 તળાવમાં 68 જેટ એરેટર્સ લગાવ્યા છે. જે તળાવોમાં જેટ એરેટર લગાવ્યા છે, તે પૈકી એક માત્ર કાંકરિયા તળાવમાં પાણી છે. આ સિવાયના મોટાભાગના તળાવોમાં વરસાદના અભાવના કારણે પાણી તળિયે પહોંચી ગયા છે તેમજ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જે ચંડોળા તળાવના વોટરબોડી વિસ્તારમાંથી મોટાપાયે કોર્પોરેશને ગત વર્ષે મેગા ડિમોલિશન કર્યું હતું તેની સફાઈ કરવા વર્ષ-2025માં કોર્પોરેશનની હેલ્થ કમિટીએ રૂપિયા 24 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો.
37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો
કોર્પોરેશન દ્વારા દર વર્ષે તળાવોમાંથી લીલ, પ્લાસ્ટિક, કચરો, જંગલી વનસ્પતિ અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે રૂપિયા 7થી 8 કરોડનો ખર્ચ કરાય છે. પાંચ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 35થી 40 કરોડનો ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરાયા છતાં પરિણામ દેખાતું નથી. વર્ષ-2026માં શહેરના 97 તળાવોની સફાઈ કરવા માટે રૂપિયા 9.13 કરોડનું ટેન્ડર કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં મંજૂર કરવામાં આવેલું છે. પાંચ વર્ષ પહેલાં એએમસીની હેલ્થ કમિટી દ્વારા શહેરના 37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો.
ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો
કોર્પોરેશનના અધિકારીઓએ 37 તળાવની સફાઈ કરાવવા માટે રૂપિયા 3.60 કરોડનો અંદાજ એ સમયે મૂક્યો હતો. જેમાં એ સમયના હેલ્થ કમિટીના ચેરમેન અને સભ્યોએ રૂપિયા 70 લાખનો વધારો કરી રૂપિયા 4.40 કરોડના ખર્ચેથી 37 તળાવની સફાઈ કરવા માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મીનાક્ષી સખી મંડળ અને દેવ રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન એમ ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પાંચ વર્ષમાં તળાવ સફાઈ પાછળ કોર્પોરેશન તરફથી કરવામાં આવતો ખર્ચ રૂપિયા 10 કરોડ સુધી પહોંચી ગયો છે.
ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છે
શહેરનાં જળાશયોને સ્વચ્છ રાખવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તળાવના એક છેડે કચરો અને ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છે. જ્યારે બીજી તરફ બોટ દ્વારા પાણીની સપાટી સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણના મૂળ સ્ત્રોતને અટકાવ્યા વિના થતી આવી સફાઈ કેટલી અસરકારક બની શકે તે મોટો પ્રશ્ન છે. આવી જ સ્થિતિ સાબરમતી નદીની પણ છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમયાંતરે મોટા ખર્ચ કરવામાં આવે છે, છતાં નદીમાં ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની સમસ્યા યથાવત્ રહે છે. એટલે હવે શહેરની નદીની સાથે તળાવો પણ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.
