Ahmedabad News : શહેરમાં જૂની ડ્રેનેજ લાઈનોની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ, જાણો સત્તાધિશોએ શું કહ્યું?

📅 Published: September 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 25થી 50 વર્ષ જૂની થઈ ગયેલી ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને મુખ્ય ટ્રંક લાઈનોને રૂપિયા 3200 કરોડના ખર્ચે તબક્કાવાર રિહેબિલિટેશન કરીને પુનઃ કાર્યક્ષમ બનાવવાનું મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ હાલ 11 લાઈનોનું કામ મંથર ગતિએ ચાલુ છે અને 16 મોટી લાઈનોનું કામ હજુ બાકી હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર દ્વારા ખોદાણ અને રસ્તા ખોદવાની સમસ્યામાંથી મુક્તિ મળવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ હાલ ખોદાણ અમે કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. 

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાનો દાવો

ગીચ વિસ્તારોમાં નવા રસ્તા ખોદવાની મુશ્કેલીથી બચવા અને લાઈન ટ્રાન્સફોર્મેશન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 26 લાઈનો હાથ ધરાઈ છે, જેમાં પલ્લવ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધી જીઆરપી પદ્ધતિથી રિહેબિલિટેશન થઈ રહ્યું છે. મ્યુનિ.ના ડ્રેનેજ વિભાગ અનુસાર, કુલ 69 લાઈનોના 196.23 કિ.મી. નેટવર્ક માટે અંદાજે રૂપિયા 3200 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. જે પૈકી 42 લાઈનોનું 85.89 કિ.મી. કામ રૂપિયા 750 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. જ્યારે 11 લાઈનોનું 34.90 કિ.મી. કામ રૂપિયા 440 કરોડના ખર્ચે ચાલુ છે. જેમાં અસારવા, શિવરંજની, અંધજન મંડળ, હેલ્મેટ ચાર રસ્તા, ખોખરા, નિકોલ, દાણીલીમડા અને મકરબા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.આગામી સમયમાં મ્યુનિ. દ્વારા વધુ 16 મોટી ટ્રંક લાઈનોના 75.43 કિ.મી. નેટવર્ક માટે રૂપિયા 1800 થી 1850 કરોડના આયોજન સાથે કામગીરી હાથ ધરાશે. 

કેટલીક લાઇનના જોઇન્ટ લગાવવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીમાં વિલંબ અંગે મનપાના વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ડ્રેનેજ રિહેબના કામો ચાલી રહ્યા હોવાથી કેટલીક લાઇનના જોઇન્ટ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે પાણી ભરાયા હતા, પરંતુ જોઇન્ટ ખોલતા જ પાણીનો ત્વરિત નિકાલ થઈ ગયો હતો. મનપાએ દાવો કર્યો છે કે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં ચાલી રહ્યા છે અને જો વિસંગતતા ઊભી થઈ છે તો તે માહિતી અધૂરી કે જૂની હોઈ શકે છે, જેના માટે તમામ ટેન્ડરના સમયપત્રક પણ આપવા તૈયાર છે. આગામી સમયમાં 16 નવી ટ્રંક લાઇનના કામો શરૂ થશે અને તેની ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.આ ઉપરાંત, નવી ટર્મ આવ્યા બાદ ખાસ સૂચના આપવામાં આવી છે કે રોડની કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા વોટર કમિટી સાથે સંકલન કરવું આવશ્યક છે, જેથી તમામ લાઇનના કામો સંપૂર્ણપણે પૂરા થયા પછી જ રોડની કામગીરી હાથ ધરવામાં આવે.

આ પણ વાંચોઃ Gir Somnath News : LCBએ બાલાજી નગરમાં કરેલી રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *