Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યૂના 147 અને ટાઈફોઈડ 153 કેસ નોંધાયા, સાદા મેલેરિયાના કેસોમાં પણ ઉછાળો

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં મોસમના બદલાવની સાથે જ રોગચાળાના આંકડા સામે આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચાલુ મહિનાના આંકડા અનુસાર,શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.ગત મહિનાની સરખામણીએ ચાલુ મહિને વિવિધ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થતાં તંત્ર દોડતું થયું છે.

સાદા મેલેરિયાના કેસો ગત મહિનાની સરખામણીએ વધ્યા

મચ્છરોથી ફેલાતા રોગો વિશે વાત કરીએ તો,સાદા મેલેરિયાના કેસો ગત મહિને નોંધાયેલા 50થી વધીને આ મહિને 76 પર પહોંચ્યા છે.આ ઉપરાંત,ગંભીર ગણાતા ઝેરી મેલેરિયાના કેસ પણ ગત મહિનાના 5ની સરખામણીએ વધીને 14 નોંધાયા છે.સૌથી વધુ અસર ડેન્ગ્યુના કેસોમાં જોવા મળી છે જેમાં ગત મહિને માત્ર 68 કેસ હતા જ્યારે ચાલુ મહિને આ આંકડો બમણાથી પણ વધુ વધીને 147 પર પહોંચી ગયો છે.ચોમાસા અને દૂષિત પાણીના પુરવઠાને કારણે પાણીજન્ય રોગચાળાએ પણ શહેરીજનોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. 

ચાલુ મહિને શહેરમાં ઝાડા ઉલટીના 273 કેસ નોંધાયા

AMCના ડેટા મુજબ ચાલુ મહિને શહેરમાં ઝાડા ઉલટીના 273 કેસ નોંધાઈ ચૂક્યા છે.આ સિવાય દૂષિત પાણીથી ફેલાતા ટાઈફોઈડના 153 અને કમળાના 52 દર્દીઓ સામે આવ્યા છે.સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાચનતંત્ર અને તાવ સંબંધિત બીમારીના દર્દીઓની ભીડ વધી રહી છે.વધતા જતા કેસોને પગલે AMCના આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ શરૂ કરી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ, શાળા-કોલેજો તથા ખુલ્લા પ્લોટોમાં ચેકિંગ હાથ ધર્યું છે.જ્યાં પણ પાણીના સંગ્રહમાં મચ્છરોના પોરા મળી આવ્યા છે.તેવા એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરીને નોટિસો પાઠવવામાં આવી રહી છે. 

પાણીના ક્લોરિનેશન માટે કામગીરી તેજ કરાઈ

આ સાથે જ દૂષિત પાણીની ફરિયાદો ઉકેલવા અને પાણીના ક્લોરિનેશન માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે.આરોગ્ય નિષ્ણાતો અને પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.શહેરીજનોને ઘરમાં અને આસપાસ ક્યાંય પણ પાણી એકઠું ન થવા દેવા,ઉકાળેલું કે સ્વચ્છ પાણી પીવા, બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવા અને મચ્છરદાની કે મચ્છર રોધક ક્રીમનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્રની સાથે લોકોનો સહયોગ પણ અત્યંત જરૂરી બન્યો છે.

આ પણ વાંચોઃ Rajkot News: તહેવારો પહેલા જ મનપાનો આરોગ્ય વિભાગ એક્શનમાં, ફરાળી વાનગીઓ વેચતી 45 પેઢીઓ પર ચેકિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *