અમદાવાદ શહેરના સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી નજીક ગેસ લીકેજની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં સ્થિત એક ભંગારના ગોડાઉનમાં રાખેલા ક્લોરીન ગેસના બાટલામાંથી અચાનક ગેસ ગળતર શરૂ થયું હતું. જોતજોતામાં ઝેરી ગેસ આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા
ક્લોરીન ગેસ હવામાં પ્રસરી જતાં જ આસપાસના લોકોને આંખોમાં તીવ્ર બળતરા અને અસહ્ય ખાંસી ઉપડી હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવાને કારણે લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકોની તબિયત વધુ લથડતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ માસ્ક અને જરૂરી સુરક્ષા સાધનો સાથે ગોડાઉનમાં પ્રવેશ કરી ગેસ લીકેજ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર ટીમે ત્વરિત અને સતર્કતાપૂર્વક કામગીરી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.
બાટલાને સાબરમતીના ખુલ્લા પટમાં લઈ જઈ નિકાલ કરાયો
મળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર ગેસનું લીકેજ અટકાવ્યા બાદ જોખમી બાટલાને સુરક્ષિત રીતે સીલ કરી લીધો હતો. ત્યારબાદ આ બાટલાને સાબરમતી નદીના ખુલ્લા પટમાં લઈ જઈને કાળજીપૂર્વક ખાલી કરવામાં આવ્યો હતો, જેથી શહેરમાં વધુ ગેસ ફેલાવાનો ભય ટળી ગયો છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
