Ahmedabad News: સરસપુર તરફનો નવો ફૂટઓવર બ્રિજ ખુલ્લો મૂકાયો, છેલ્લા 4 મહિનાથી બંધ પ્રવેશ શરૂ

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

છેલ્લા ચાર મહિનાથી અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે સરસપુર તરફથી પ્રવેશ મેળવવા પર મુસાફરો માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આ પ્રતિબંધના કારણે રોજેરોજ મુસાફરી કરતા પ્રવાસીઓને સ્ટેશન પર પહોંચવા માટે ભારે હાલાકી અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો હતો.હવે સરસપુર તરફનો નવો ફૂટઓવર બ્રિજ મુસાફરો માટે ખુલ્લો મૂકી દેવામાં આવતાં અમદાવાદ સ્ટેશન જવા માટેનો સરસપુર તરફનો માર્ગ મોકળો થઈ ગયો છે.પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ અને અમદાવાદના સાંસદ દિનેશ મકવાણાના હસ્તે આ નવનિર્મિત ફૂટઓવર બ્રિજ યાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

મુસાફરોની અવરજવર ફરી ધમધમતી થઈ ગઈ છે

આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા સમયસર આ પગલું ભરવામાં આવ્યું છે. જેનાથી મુસાફરોને સીધો સ્ટેશન પરિસરમાં પ્રવેશવાનો સરળ વિકલ્પ પાછો મળી ગયો છે.સરસપુર બાજુથી પ્રવેશ ખૂલતાં જ મુસાફરોની અવરજવર ફરી ધમધમતી થઈ ગઈ છે અને ચાર મહિનાથી ચાલી રહેલી અસુવિધાનો સુખદ અંત આવ્યો છે.અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને વિકાસ અંગે માહિતી આપતાં પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ સ્ટેશનના ઇન્ટિગ્રેશનનું કામ હાલ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું છે.સ્ટેશનની દૈનિક કામગીરી કે ટ્રેન વ્યવહાર બંધ કર્યા વગર આ તમામ વિકાસલક્ષી કામો સતત ચલાવવામાં આવી રહ્યા છે.

કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેશન બંધ રાખ્યા વિના જ પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને અગ્રતા આપીને આ સમગ્ર કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે.પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે આયોજનપૂર્વક સ્ટેશનનું સંકલન અને પુનઃવિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.ડીઆરએમ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર,તમામ સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધીને મુસાફરોની અવરજવર જળવાઈ રહે તે પ્રકારે બાંધકામ અને રીડેવલોપમેન્ટના વિવિધ તબક્કાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા કરવા માટે રેલવે વહીવટીતંત્ર કટિબદ્ધ છે.

પ્લેટફોર્મ નંબર 9 થી 12 પણ ટૂંક સમયમાં ખુલ્લા મુકાશે

દિવાળી અને છઠ પૂજા જેવા વિશાળ લોકપ્રિય તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રેલવે વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે એક પછી એક મહત્વપૂર્ણ સુવિધાઓ શરૂ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.તહેવારો દરમિયાન મુસાફરોનો ધસારો અતિશય વધી જતો હોવાથી તેને પહોંચી વળવા માટે નવનિર્મિત પ્લેટફોર્મ નંબર 9 થી 12 પણ તહેવારો પહેલાં જ મુસાફરો માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.આ ઉપરાંત, પ્રવાસીઓને સ્ટેશન સુધી પહોંચવા માટે વધુ સારી અને સુગમ સુવિધા મળી રહે તે માટે દિવાળી પહેલાં જ મેટ્રો કનેક્ટિવિટી પણ શરૂ કરી દેવામાં આવશે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 4 સરકારી વિભાગોએ બજેટનો પૂરતો ખર્ચ કર્યો જ નહીં, જાણો કયા વિભાગે વધુ ખર્ચ કર્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *