અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષ 2013ના સુરંગકાંડ કેસમાં સેશન્સ કોર્ટે મહત્ત્વનો હુકમ કર્યો છે.કેસની તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડિજિટલ પુરાવા અને તપાસનીશ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.જેલમાં કરવામાં આવેલી ફોટોગ્રાફીની સીડી કોર્ટમાં રજૂ કરવામાં આવી હોવા છતાં હાલ તે ઓપન થતી ન હોવાની બાબત સામે આવતાં કોર્ટે હવે મૂળભૂત ડિજિટલ પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.ખાસ સરકારી વકીલની અરજી કોર્ટે મંજૂર રાખીને ફોટોગ્રાફીની સીડી,પેનડ્રાઈવ અને ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65(બી)(4) હેઠળનું સર્ટિફિકેટ રજૂ કરવા હુકમ કર્યો છે.
સાક્ષી તરીકે બોલાવવાની કરાયેલી અરજી કોર્ટે મંજૂર રાખી
આ ઉપરાંત કેસમાં જે વ્યક્તિને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ બોલાવવાની માંગ કરવામાં આવી છે, તેનું નામ તપાસનીશ અધિકારીએ ચાર્જશીટમાં સાક્ષી તરીકે દર્શાવ્યું નહોતું.તેમ છતાં સરકારી પક્ષ દ્વારા આ વ્યક્તિને કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે બોલાવવાની કરાયેલી અરજી કોર્ટે મંજૂર રાખી છે.સાબરમતી જેલનો સુરંગકાંડ 10 ફેબ્રુઆરી 2013ના રોજ પ્રકાશમાં આવ્યો હતો.અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલની બેરેક નંબર 4માં રાખવામાં આવ્યા હતા.આ બેરેકમાંથી જેલની બહાર નીકળવા માટે ગુપ્ત રીતે સુરંગ ખોદવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો હતો.
18થી 26 ફૂટ લાંબી સુરંગ મળી હોવાનું જણાયું હતું
શરૂઆતમાં જેલ તંત્રને આશરે 18થી 26 ફૂટ લાંબી સુરંગ મળી હોવાનું જણાયું હતું.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓની તપાસમાં આ સુરંગની લંબાઈ આશરે 213થી 214 ફૂટ હોવાનું સામે આવ્યું હતું.સુરંગ જેલની બહારની દીવાલ સુધી પહોંચી ગઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.બેરેક નંબર 4માં રહેતા કેદીઓએ બગીચામાં કામ કરવાની પ્રવૃત્તિની આડમાં માટી બહાર કાઢી સુરંગ બનાવી હતી.સુરંગકાંડની તપાસ દરમિયાન કુલ 24 કેદીઓ સામે ગુનો નોંધાયો હતો.
