અમદાવાદ મનપાની ચૂંટણી ગત 26 એપ્રિલના રોજ યોજાઈ હતી. જેનું પરિણામ 28 એપ્રિલના રોજ જાહેર થયું હતું.AMCમાં ભાજપે 192 બેઠકમાંથી 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. 32 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ હતી. 2021માં કોંગ્રેસને 25 સીટ મળી હતી. જ્યારે આ વખતે તેને 7 સીટનો ફાયદો થયો છે.જ્યારે ભાજપની 1 સીટ વધી છે.AIMIMની 7 તથા અન્યની 1 સીટ ઘટી છે. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ AMCમાં વિપક્ષનું પદ ખાલી પડેલું છે. હવે આ પદ ભરવા માટે કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાને નવા વિપક્ષ નેતા મળી જશે
અમદાવાદ કોર્પોરેશનમાં ચૂંટણી પૂરી થયાના ચાર મહિના બાદ આંતરિક વિખવાદને કારણે વિપક્ષ નેતાની પસંદગી ન થઈ શકતા આખરે કોંગ્રેસ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે એઆઈસીસીના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને અમદાવાદના તમામ 32 કોર્પોરેટરો અને શહેરના ધારાસભ્યો તથા પૂર્વ ધારાસભ્યો સાથે વન ટુ વન પ્રતિક્રિયા મેળવી રહ્યા છે.જેથી આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાને નવા વિપક્ષ નેતા મળી જશે.
છેલ્લી ટર્મમાં શહેઝાદ ખાન પઠાણ વિપક્ષના નેતા હતાં
અમદાવાદમાં છેલ્લી ટર્મમાં શહેઝાદ ખાન પઠાણ વિપક્ષના નેતા હતાં. ત્યાર બાદ નવી ચૂંટણી થયા બાદ આ પદ આંતરિક ખેંચતાણને કારણે ખાલી પડ્યું હતું. કોંગ્રેસના અલગ અલગ ગ્રુપ પોતાના કોર્પોરેટરને વિપક્ષનો નેતા બનાવવાની જીદ લઈને બેઠા હોવાથી આ પદ પર નિમણૂક થઈ શકી નથી. પ્રદેશના નેતાઓએ અનેક વખત આ નિમણૂક માટે દિલ્હીના ધક્કા ખાધા હતાં. પરંતુ વિવાદ શમ્યો નહીં હોવાથી આ પદ ખાલી પડ્યું હતું. જો કે, હવે કોંગ્રેસ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.એઆઈસીસીના ઓબ્ઝર્વર વન ટુ વન મીટીંગો કરીને આ પદ માટે એક પસંદગી નક્કી કરશે.
