Ahmedabad News: AMC દ્વારા આખા શહેરનું 240 કરોડના ખર્ચે જિયો મેપિંગ કરાશે

📅 Published: August 24, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંકલિત વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.સમગ્ર શહેરનું અત્યાધુનિક GIS મેપિંગ હાથ ધરવામાં આવશે. આ વ્યાપક પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹240કરોડનો ખર્ચ કરવામાં આવશે.GIS મેપિંગના માધ્યમથી શહેરના દરેક વિસ્તાર અને તેની તમામ મિલકતોનું જિયો-ટેગિંગ કરવામાં આવશે.આ મેપિંગથી શહેરના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રકારના એકમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને તેમનો ચોક્કસ ડેટા તૈયાર થશે. 

દરેક મિલકતને ડિજિટલ ઓળખ અપાશે

આ ઉપરાંત, શહેરમાં આવેલી તમામ પ્રકારની યુટિલિટીઝ અને લાઈનોનું અંડરગ્રાઉન્ડ તથા ઓવરગ્રાઉન્ડ ડિજિટલ મેપિંગ પણ હાથ ધરાશે.શહેરની તમામ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોનું જિયો-રેફરન્સિંગ કરીને દરેક મિલકતને ડિજિટલ ઓળખ અપાશે, જેથી પ્રોપર્ટી ટેક્સ અને અન્ય નાગરિક સેવાઓમાં પારદર્શિતા લાવવામાં મદદ મળશે.પીવાના પાણીની પાઈપલાઈન,ગટર નેટવર્ક,સ્ટોર્મ વોટર લાઈન અને ગેસ લાઈન જેવી ભૂગર્ભ સેવાઓનું ચોક્કસ લોકેશન મેપ પર મળશે. શહેરના વીજળીના ટ્રાન્સફોર્મર, કેબલ્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાઈનોને પણ આ મેપિંગમાં આવરી લેવાશે.

પરિવહન સેવાઓના રૂટનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશે

શહેરના મુખ્ય માર્ગો, બ્રિજ, ફૂટપાથ અને જાહેર પરિવહન સેવાઓના રૂટનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશે.આ GIS મેપિંગથી AMC માટે રસ્તા ખોદકામ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી વખતે અગાઉથી જાણકારી મેળવવી સરળ બનશે.જેનાથી સરકારી નાણાંનો વ્યય અટકશે.તે ઉપરાંત આગ,અકસ્માત કે કુદરતી હોનારત જેવી કટોકટીના સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ આ ડેટા અત્યંત ઉપયોગી સાબિત થશે. AMCના આ જિયો મેપિંગ પ્રોજેક્ટથી અમદાવાદ આગામી સમયમાં વધુ સુસજ્જ,સુગ્રથિત અને ટેકનોલોજી-સંચાલિત સ્માર્ટ સિટી તરીકે ઊભરી આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *