Ahmedabad News : AMC હવે પોતાના દમ પર તૈયાર કરશે માળખાકીય પ્રોજેક્ટ્સની ડિઝાઇન, રોડ બિલ્ડિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય

📅 Published: November 8, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના વિકાસ કાર્યોને વધુ મજબૂત અને વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનું કદમ ઉઠાવ્યું છે. AMC ની રોડ બિલ્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કોર્પોરેશનનું પોતાનું આગવું ‘ડિઝાઇન યુનિટ’ (Design Unit) બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિટ દ્વારા ભવિષ્યમાં શહેરમાં બનનારા તમામ રોડ, બ્રિજ અને સરકારી બિલ્ડિંગોના નિર્માણ કાર્યોનું ઉચ્ચ કક્ષાનું સુપરવિઝન કરવામાં આવશે, જેથી માળખાકીય સુવિધાઓ લાંબા સમય સુધી ટકાઉ અને મજબૂત બની રહે.

કન્સલ્ટન્ટ્સ માટે એમ્પેનલમેન્ટ ફરજિયાત કરાયું

શહેરી વિકાસના પ્રોજેક્ટ્સમાં થતી અનિયમિતતાઓને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર હવેથી તમામ કન્સલ્ટન્ટ્સ માટે એમ્પેનલમેન્ટ (Empanelment) ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ કન્સલ્ટન્ટ એમ્પેનલ થયા વગર કામ કરવા માગશે તો તેના માટે AMC ની વિશેષ મંજૂરી લેવી અનિવાર્ય બનશે. આનાથી એજન્સીઓની જવાબદારી નક્કી થશે અને નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરો કે સલાહકારો સામે તાત્કાલિક દંડાત્મક પગલાં ભરી શકાશે.

મ્યુનિસિપલ કમિશનરને અપાઈ સૂચના

અગાઉ મોટા પ્રોજેક્ટ્સની ડિઝાઇન અને કન્સલ્ટન્સી પાછળ મનપાએ ભારેખમ ફી ચૂકવવી પડતી હતી, પરંતુ પોતાના સ્વતંત્ર ડિઝાઇન યુનિટના આગમનથી AMC ની તિજોરી પર પડતો આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે અને ખાનગી એજન્સીઓ પરની નિર્ભરતા ઓછી થશે. આ સમગ્ર પ્રોજેક્ટને વહેલી તકે અમલમાં લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી આગામી સમયમાં અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વધુ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે પાર પડી શકે.

આ પણ વાંચો : Surat News : દિવાળી ટાણે ઉધના સ્ટેશન પર માનવ મહેરામણ, યુપી-બિહાર જતી ટ્રેનોમાં જવા શ્રમિકોની પડાપડી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *