Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ…

📅 Published: September 2, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ‘સનાતન રેસીડેન્સી’માં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે રૂ. 7.18 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડ આચરનાર મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ નામના શખ્સ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ઘરનું ઘર મેળવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી અને તેમની પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા પડાવી લીધા હતા.

બોગસ દસ્તાવેજો અને AUDA ના લેટરપેડ બતાવી ત્રણ મહિલાઓને ઠગ્યા

આરોપી મહેબુબ શેખે ફરિયાદી રેખાબેન ડાભી પાસેથી કુલ રૂ. 2 લાખ, તેમની બહેન રવીનાબેન પાસેથી રૂ. 2.44 લાખ અને પરિચિત પ્રિયાબેન પાસેથી રૂ. 2.74 લાખ મળીને કુલ રૂ. 7.18 લાખ પડાવી લીધા હતા. આ ઠગાઈ આચરવા માટે તેણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના બનાવટી લેટરપેડ, મકાનની ફેક ફાઈલો અને બોગસ પઝેશન લેટર તૈયાર કરી બતાવ્યા હતા. મકાન દસ્તાવેજ, લોન અને પઝેશનના નામે અલગ-અલગ તબક્કે રકમ લીધા બાદ, છેલ્લે મકાનની ચાવી અને પઝેશન લેટર સોંપવાના બાના હેઠળ પણ વધુ રૂ. 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

લાંબા સમય બાદ પણ મકાન ન મળતાં કૌભાંડ ખુલ્લું પડ્યું

રૂપિયા ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ મકાનનો કબજો કે સંતોષકારક જવાબ ન મળતાં ફરિયાદી મહિલાઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ તમામ દસ્તાવેજો ખોટા ઊભા કરીને રૂપિયા મેળવ્યા હોવાનું સ્પષ્ટ થતાં રેખાબેન ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સહઆરોપી કે Victims જોડાયેલા છે કે નહીં તે અંગેની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Ahmedabadની EbixCash સાથે રૂ.40 લાખનો વિશ્વાસઘાત, પોતાના જ સેલ્સ મેનેજરે બોગસ KYCથી કંપનીને ફટકાર્યો મોટો ચૂનો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *