Ajit Agarkarએ અચાનક કેમ છોડ્યું પદ? સોશિયલ મીડિયા પર મોટો દાવો

📅 Published: September 19, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટમાં ચીફ સિલેક્ટરના પદને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.અજિત અગરકરનો ભારતીય સિનિયર ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે.અગાઉ એવી ચર્ચા ચાલી રહી હતી કે BCCI અગરકરનો કરાર આગળ વધારવા માંગતી નથી, પરંતુ હવે સામે આવેલા અહેવાલમાં સમગ્ર મામલે અલગ જ માહિતી સામે આવી છે.

અજિત અગરકરે પોતે જ પદ છોડવાનો નિર્ણય લીધો

મીડિયા રિપોર્ટ અનુસાર અજિત અગરકરે BCCIના અધિકારીઓને જણાવી દીધું છે કે તેઓ મુખ્ય પસંદગીકાર તરીકે આગળ કામ કરવા માંગતા નથી. અગરકરની નજીકના સૂત્રોના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે કે તેમણે પોતાના નિર્ણય વિશે BCCIને અગાઉથી જાણ કરી હતી.અજિત અગરકરનો વર્તમાન કરાર 4 ઓક્ટોબરે પૂર્ણ થવાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના કાર્યકાળને લઈને સતત ચર્ચા ચાલી રહી હતી. શરૂઆતમાં એવી માહિતી સામે આવી હતી કે BCCI તેમનો કરાર વધુ એક વર્ષ માટે લંબાવવાની વિચારણા કરી રહી છે.

2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરાર વધારવાની ચર્ચા

અજિત અગરકરને 2023માં ભારતીય સિનિયર ટીમના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ટીમની પસંદગી સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.થોડા મહિના પહેલાં એવી ચર્ચા હતી કે 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI અગરકરનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવી શકે છે. જોકે, ભારતીય ક્રિકેટમાં કેટલાક મોટા ફેરફારો બાદ આ અંગેની સ્થિતિ બદલાઈ હોવાની ચર્ચા શરૂ થઈ હતી.ખાસ કરીને રોહિત શર્માને લઈને ટીમમાં થયેલા ફેરફારો બાદ પસંદગી સમિતિ અને BCCIની કામગીરી અંગે ચર્ચા વધી હતી. જોકે, અગરકરે પોતે જ આગળ આ જવાબદારી સંભાળવાની ઇચ્છા ન હોવાનું જણાવ્યાની માહિતી હવે સામે આવી છે.

નવા ચીફ સિલેક્ટરની પસંદગી ટૂંક સમયમાં

અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ BCCI નવા ચીફ સિલેક્ટરની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. સિનિયર પસંદગી સમિતિના નવા અધ્યક્ષની પસંદગી ઉપરાંત જુનિયર પસંદગી સમિતિમાં પણ 5 સભ્યોની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે જુનિયર પસંદગી સમિતિ માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. આગામી બે અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારી છે.

કોણ બની શકે છે આગામી ચીફ સિલેક્ટર?

હવે સૌથી મોટો સવાલ એ છે કે અજિત અગરકર બાદ ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે કોની પસંદગી થશે. અહેવાલો અનુસાર, પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલનું નામ આ પદ માટે ચર્ચામાં છે.જોકે, BCCI પાસે વર્તમાન પસંદગી સમિતિના કોઈ સભ્યને સિનિયર પદ પર પ્રમોટ કરવાનો વિકલ્પ પણ છે. તેથી અંતિમ નિર્ણય BCCIની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.અજિત અગરકરના કાર્યકાળનો અંત હવે નજીક છે અને નવા ચીફ સિલેક્ટરની પસંદગી ભારતીય ક્રિકેટ માટે આગામી મહત્વપૂર્ણ નિર્ણય બની શકે છે.

આ પણ વાંચો – BCCI Chief Selector Race : ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર કોણ? આ 2 નામ વધુ ચર્ચામાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *