Ajit Agarkar : રોહિતની નારાજગી કે ઈજાનો મુદ્દો? અગરકર-BCCI વચ્ચે કેમ વધ્યું અંતર?

📅 Published: September 20, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમે અજીત અગરકરના ચીફ સિલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક મોટી સફળતાઓ મેળવી. વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલથી લઈને એશિયન ગેમ્સ 2022ના ગોલ્ડ મેડલ, T20 વર્લ્ડ કપ 2024 અને 2026ના ખિતાબ, ચેમ્પિયન્સ ટ્રોફી અને 2 એશિયા કપ જેવી મોટી સિદ્ધિઓ ભારતીય ટીમના ખાતામાં આવી. તેમ છતાં અગરકરે પોતાનો કાર્યકાળ આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે.

BCCIની વાર્ષિક બેઠક બાદ સ્પષ્ટ થયું 

18 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક બેઠક બાદ સ્પષ્ટ થયું કે અગરકર 3 ઓક્ટોબરે કાર્યકાળ પૂર્ણ થયા બાદ ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી છોડશે. ખાસ વાત એ છે કે આ નિર્ણય અગરકરે પોતે લીધો હોવાનું કહેવાય છે અને BCCI તરફથી તેમને રોકવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.

રોહિત શર્માના મામલાથી શરૂ થયો વિવાદ?

છેલ્લા કેટલાક સમયથી અગરકરના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી હતી.વર્ષના શરૂઆતના ભાગમાં તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી જવાબદારી સંભાળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.જોકે છેલ્લા 2-3 મહિનામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ.અગરકરના નિર્ણય પાછળ રોહિત શર્માના મામલાને પણ મહત્વનું કારણ માનવામાં આવે છે.ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી પહેલાં જ રોહિતના ભવિષ્ય અંગે પસંદગી સમિતિમાં ચર્ચા થઈ હતી.અગરકરે પ્રજ્ઞાન ઓઝાને રોહિત સાથે આ મુદ્દે વાત કરવાની જવાબદારી સોંપી હતી.આ નિર્ણયથી રોહિત નારાજ થયા હોવાનું કહેવાય છે.બાદમાં જ્યારે રોહિતના નિવૃત્તિ અંગે અહેવાલો સામે આવ્યા ત્યારે BCCI સચિવ દેવજિત સૈકિયાએ સ્પષ્ટતા કરી હતી કે રોહિતના સ્થાન અંગે કોઈ ખતરો નથી.

VVS લક્ષ્મણ સાથે મતભેદ પણ મહત્વનું કારણ

મીડિયા રિપોર્ટ અનુસાર, અગરકર અને BCCI વચ્ચે મતભેદનું કારણ માત્ર રોહિત શર્માનો મુદ્દો નહોતો.સેન્ટર ઓફ એક્સિલન્સના વડા VVS લક્ષ્મણ સાથેના મતભેદો પણ આ પાછળનું એક મહત્વનું કારણ હોવાનું કહેવાય છે.એશિયન ગેમ્સ 2026 માટે કઈ પ્રકારની ટીમ મોકલવી તે મુદ્દે બંને વચ્ચે અલગ મત હોવાનું અહેવાલમાં જણાવાયું છે.અગરકર અગાઉની જેમ મજબૂત ખેલાડીઓની જગ્યાએ બીજી કક્ષાની ટીમ મોકલવાના પક્ષમાં હતા, જ્યારે લક્ષ્મણ મુખ્ય ટીમને મોકલવા માંગતા હતા. અંતે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમને એશિયન ગેમ્સ માટે મોકલવામાં આવી.

ઈન્ડિયા Aની મેચોના આયોજનને લઈને પણ મતભેદ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઈન્ડિયા Aની વિવિધ મેચોના આયોજનને લઈને પણ મતભેદ થયા હોવાનું કહેવાય છે. ઈરાની કપથી લઈને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને ન્યૂઝીલેન્ડ A સામેની ટેસ્ટ શ્રેણી જેવી મેચોના કાર્યક્રમને લઈને અગરકર અને લક્ષ્મણ વચ્ચે મતભેદ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ખેલાડીઓની ઈજાને લઈને પણ ચિંતા

આ સમગ્ર મામલામાં સૌથી મોટો મુદ્દો ભારતીય ખેલાડીઓની વારંવાર થતી ઈજા હોવાનું કહેવાય છે. ટીમ મેનેજમેન્ટ અને અગરકર તરફથી ખેલાડીઓની ફિટનેસ અને સતત થતી ઈજાઓ અંગે અનેક વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ખેલાડીઓની સારવાર અને રિહેબિલિટેશનમાં સેન્ટર ઓફ એક્સિલન્સની મહત્વની ભૂમિકા હોવાથી આ મુદ્દે અગરકર અને લક્ષ્મણ વચ્ચે વિશ્વાસનો અભાવ વધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આ દરમિયાન BCCI અને ભારતીય ટીમની એક મહત્વની રિવ્યૂ બેઠકમાં અગરકર હાજર રહ્યા ન હતા. ત્યારથી તેમના કાર્યકાળને લઈને સ્થિતિ વધુ સ્પષ્ટ બની હતી. હવે 3 ઓક્ટોબરે તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ BCCI નવા ચીફ સિલેક્ટરની પસંદગીની પ્રક્રિયા આગળ વધારશે.

આ પણ વાંચો – OMG… અજીત અગરકરની સેલરી જાણી આંખો થઈ જશે પહોળી, જાણો કેટલો છે પગાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *