સોશિયલ મીડિયા પર ઇઝરાયલી મહિલા પ્રવાસી સાથે અભદ્રતા અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થતાં અજમેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વીડિયો આશરે 3 વર્ષ જૂનો છે અને કિશનગઢના પ્રસિદ્ધ ડમ્પિંગ યાર્ડનો છે. મામલામાં પોલીસે વીડિયો સાથે સંકળાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે.
કિશનગઢના ડમ્પિંગ યાર્ડમાં બની હતી ઘટના
આશરે 3 વર્ષ પહેલાં ઇઝરાયલની મહિલા પ્રવાસી ગાલિયા કોવો કિશનગઢના ડમ્પિંગ યાર્ડની મુલાકાતે આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકોએ તેની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી.
વીડિયો ફરી વાયરલ થયો
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરીથી વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ફરિયાદની રાહ જોયા વગર પોલીસે શરૂ કરી તપાસ
વીડિયો સામે આવ્યા બાદ અજમેર પોલીસે મામલાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કોઈ ઔપચારિક ફરિયાદની રાહ જોયા વિના જ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે ટેક્નિકલ સાધનો અને મળેલી માહિતીના આધારે વીડિયોમાં સામેલ લોકોની ઓળખ કરી હતી.
4 આરોપીઓની ધરપકડ
પોલીસે મામલામાં મોહમ્મદ ફુરખાન, મોહમ્મદ અનીસ, ફરહાન અને અફસર અલીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વીડિયો આશરે 3 વર્ષ જૂનો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસનું કહેવું છે.અજમેર પોલીસે ચારેય આરોપીઓ સામે BNSSની કલમ 170 હેઠળ કાર્યવાહી કરી છે. મામલામાં વધુ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
ઇઝરાયલી પ્રવાસીએ પોલીસનો આભાર માન્યો
પોલીસની કાર્યવાહી બાદ સંબંધિત ઇઝરાયલી પ્રવાસી ગાલિયા કોવોએ રાજસ્થાન પોલીસ અને અજમેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. ગાલિયા કોવોએ ભારત પ્રત્યે પોતાનો લગાવ પણ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ એકલા આશરે 6 મહિના સુધી ભારતની મુસાફરી કરી ચૂક્યા છે અને આજે પણ ભારતને ખૂબ પ્રેમ કરે છે.
આ 4 લોકો સમગ્ર ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી
તેમણે સ્પષ્ટ કર્યું કે વીડિયોમાં દેખાતા 4 લોકો સમગ્ર ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. ભારતીયો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ તેમણે આભાર માન્યો અને ભવિષ્યમાં ફરી ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી.
આ પણ વાંચો : CJP : કોકરોચોએ ભાજપ સરકારે બનાવેલી સ્કૂલની પહેલીવાર કરી પ્રશંસા,કહ્યું- ‘આવી સ્કૂલ વધુ બનાવો’, Video
