જો તમે આજે કે કાલે કોઈ કામકાજ માટે IDBI બેંકની શાખામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી પડી શકે છે. IDBI બેંકના ખાનગીકરણના વિરોધમાં બેંકના ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓ આજે અને કાલે (૨ અને ૩ નવેમ્બરે) બે દિવસ માટે ભૂખ હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે બેંકિંગ કામકાજ પર ગંભીર અસર પડી શકે છે.
ખાનગીકરણ અને “વિદેશીકરણ” સામે યુનિયનનો આક્રોશ
‘IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોયીઝ યુનાઇટેડ ફોરમ’ અને ‘ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન’ (AIBEA) આ ભૂખ હડતાળનું નેતૃત્વ કરી રહ્યા છે. યુનિયનોનો આક્ષેપ છે કે ભૂતકાળમાં ભારે નુકસાનમાં રહેલી IDBI બેંક જાહેર રોકાણ અને કર્મચારીઓની મહેનતના બળે છેલ્લા ત્રણ વર્ષથી સતત સારો નફો કરી રહી છે, તેથી નફો કરતી બેંકને વેચવી અયોગ્ય છે.
૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ કેનેડા સ્થિત ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની પેટાકંપનીને ૬૦.૭૨% હિસ્સો (સરકારનો ૩૦.૪૮% અને LICનો ૩૦.૨૪%) વેચવાની મંજૂરી આપી હતી. કર્મચારીઓનો મોટો ભય એ છે કે આ પગલું માત્ર ખાનગીકરણ નથી પરંતુ દેશની ઐતિહાસિક બેંકનું “વિદેશીકરણ” છે. યુનિયને પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક તરફ ‘આત્મનિર્ભર ભારત’ની વાતો થાય છે, ત્યારે દેશના નાગરિકોના આશરે ₹૩.૫ લાખ કરોડના જાહેર થાપણો વિદેશી કંપનીના હાથમાં સોંપવા કેટલા યોગ્ય છે? આનાથી બેંકનો મુખ્ય હેતુ જાહેર કલ્યાણમાંથી બદલાઈને કોર્પોરેટ નફો બની જશે અને થાપણદારોની સુરક્ષા જોખમાઈ શકે છે.
સરકારનો પક્ષ અને આંકડાકીય ખુલાસો
બીજી તરફ, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ સોદો ખોટમાં નહીં પરંતુ નફામાં થયો છે. બે સ્વતંત્ર મૂલ્યાંકન એજન્સીઓએ IDBI બેંકના શેરની કિંમત ₹૭૫.૯૯ નક્કી કરી હતી, જેની સામે ફેરફેક્સે પ્રતિ શેર ₹૮૧ ની બોલી લગાવી છે. એટલે કે બજાર કિંમત કરતાં પ્રતિ શેર ₹૫.૦૧ વધુ મળ્યા છે.
વધુમાં, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના જણાવ્યા મુજબ, હિસ્સો વેચાયા પછી પણ બેંક RBIના કડક બેંકિંગ નિયમો હેઠળ જ કામ કરશે. ડિસઇન્વેસ્ટમેન્ટ પછી પણ સરકાર પાસે ૧૫% અને LIC પાસે ૧૯% (કુલ ૩૪% હિસ્સો) રહેશે, જેથી બેંકના ભવિષ્યના વિકાસનો લાભ જાહેર ક્ષેત્રને મળતો રહેશે. તેમ છતાં, કર્મચારીઓ આ પ્રસ્તાવિત પ્રક્રિયા સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Job Alert: 23,000થી વધુ જગ્યાઓ,2 લાખ સુધીનો પગાર, રેલ્વે અને UP SSCમાં બમ્પર ભરતી
