Amazon Investment: ભારતમાં ₹65 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે Amazon!

📅 Published: November 17, 2026 | 📂 Category: Business

ભારતમાં સ્વચ્છ ઊર્જાની વધતી જરૂરિયાત વચ્ચે વિશ્વની મોટી ટેકનોલોજી અને ઈ-કોમર્સ કંપની Amazonએ મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની 2030 સુધીમાં ભારતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વધારાના 7 અબજ ડોલર એટલે કે આશરે ₹65,393 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રકમ અગાઉથી કરાયેલા 4 અબજ ડોલરના રોકાણ કરારો ઉપરાંત હશે. એટલે ભારતમાં Amazonનું કુલ આયોજિત અને કરારબદ્ધ રોકાણ 11 અબજ ડોલર સુધી પહોંચશે. 

ચાર નવા પ્રોજેક્ટથી 934 મેગાવોટ વીજળીનું ઉત્પાદન

Amazonએ આ જાહેરાતની સાથે ભારતમાં ચાર નવા મોટા પાયાના સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટની પણ માહિતી આપી છે. તેમની કુલ ક્ષમતા 934 મેગાવોટ છે. આ ચારેય પ્રોજેક્ટ અગાઉથી કરારબદ્ધ 4 અબજ ડોલરના ઊર્જા પોર્ટફોલિયોનો ભાગ છે.

પ્રોજેક્ટ   ક્ષમતા સ્થળ
પવન ઊર્જા  234 મેગાવોટ કર્ણાટક
પવન અને સૌર ઊર્જાનો સંયુક્ત પ્રોજેક્ટ  200 મેગાવોટ  કર્ણાટક
સૌર ઊર્જા  300 મેગાવોટ  મધ્યપ્રદેશ
સૌર ઊર્જા  200 મેગાવોટ  રાજસ્થાન

કર્ણાટકનો 234 મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ એશિયામાં Amazonનો અત્યાર સુધીનો સૌથી મોટો કરારબદ્ધ પવન ઊર્જા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ સહિત કર્ણાટકના બંને પ્રોજેક્ટ સનશ્યોર દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના પ્રોજેક્ટનું કામ વારી અને રાજસ્થાનના પ્રોજેક્ટનું કામ રિન્યૂ કંપની કરશે. આ પ્રોજેક્ટ માટે વીજ ખરીદી કરાર કરવામાં આવ્યા છે. 

2 ગીગાવોટથી વધુ થશે ઊર્જા ક્ષમતા

આ ચારેય પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ ભારતમાં Amazonના કરારબદ્ધ નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટની કુલ ક્ષમતા 2 ગીગાવોટથી વધુ થઈ જશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ્સથી દર વર્ષે એટલી વીજળીનું ઉત્પાદન થઈ શકશે, જેટલી 35 લાખથી વધુ ભારતીય ઘરોની વાર્ષિક જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે. હાલ ભારતમાં Amazonના કુલ 57 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ છે. તેમાં વીજળી ગ્રીડમાં પહોંચાડતા 14 મોટા પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટ તથા કંપનીની વિવિધ સુવિધાઓમાં લગાવેલી 43 રૂફટોપ સોલર સિસ્ટમનો સમાવેશ થાય છે. 

2030 સુધી વીજળીના કાર્બન ઉત્સર્જનમાં 65% ઘટાડાનું લક્ષ્ય

Amazonએ વૈશ્વિક સ્તરે તેના કામકાજમાં વપરાતી વીજળીની કાર્બન ઉત્સર્જન તીવ્રતા 2030 સુધીમાં 65 ટકા ઘટાડવાનું નવું લક્ષ્ય પણ જાહેર કર્યું છે. તેની સરખામણી 2019ના સ્તર સાથે કરવામાં આવશે. કંપનીનું લાંબા ગાળાનું લક્ષ્ય 2040 સુધીમાં સમગ્ર કામગીરીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું છે. Amazonના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર કારા હર્સ્ટે જણાવ્યું હતું કે ભારતમાં વધારાનું રોકાણ પવન અને સૌર ઊર્જાની ક્ષમતા વધારવામાં મદદ કરશે. તેનાથી દેશની ઊર્જા સુરક્ષા અને સ્વચ્છ ઊર્જાના લક્ષ્યોને પણ ટેકો મળશે. કેન્દ્રીય નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ પણ આ રોકાણને આવકાર્યું હતું. 

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અને પાણી બચાવવા પર પણ ભાર

નવીનીકરણીય ઊર્જા ઉપરાંત Amazon ભારતમાં પર્યાવરણને અનુકૂળ કામગીરી માટે પણ રોકાણ કરી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેણે દેશનાં 500થી વધુ શહેરોમાં 15 હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનો તૈનાત કર્યા છે. ટાટા મોટર્સ સાથે મળીને 3 હજાર ઇલેક્ટ્રિક ટ્રક લાવવાની પણ યોજના છે.

કંપનીએ ભારતમાં 2025માં જ વોટર પોઝિટિવ બનવાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેનો અર્થ એ છે કે કંપની પોતાની સીધી કામગીરીમાં જેટલું પાણી વાપરે છે, તેના કરતાં વધુ પાણીનું પુનઃભરણ કરે છે. આ માટે કંપનીએ ભારતમાં ₹62 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: Isha Ambani Fashion: ટોરી બર્ચની ડિનર પાર્ટીમાં ઈશા અંબાણીનો શાહી અંદાજ, એન્ટિલિયાની ડિનર ટેબલ પણ બની ચર્ચાનો વિષય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *