Ambajiના માર્ગો પર અસામાજિક તત્વોનો બેફામ ત્રાસ, પાપડ વેચતા યુવક પર 15થી વધુ શખસોનો હુમલો…

📅 Published: October 16, 2026 | 📂 Category: Crime

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના ઉત્સવ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં લારી ફેરવીને પાપડ વેચી પોતાનું અને પરિવારનું પૂરું કરતા આનંદ નામના એક મહેનતુ યુવકને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યો હતો. રાત્રિના સમયે અચાનક ધસી આવેલા 15 થી વધુ અસામાજિક શખસોના ટોળાએ યુવક પર તૂટી પડીને તેને બેરહમીથી ઢોર માર માર્યો હતો. હુમલાખોરો યુવકની દિવસભરની મહેનતની આકરી કમાણીના નાણાં લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

લૂંટ ચલાવી ભાગતા શખસો CCTVમાં કેદ

આ સમગ્ર મારામારી અને લૂંટની ગંભીર ઘટનાના CCTV (સીસીટીવી) ફૂટેજ પણ સામે આવ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં હુમલો કર્યા બાદ લૂંટ ચલાવીને ટોળામાં દોડતા અને ભાગી રહ્યા હોય તેવા શખસો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. ઘટના અંગે ભોગ બનનાર યુવકની માતા મોનિકાબેન સિંધીએ અત્યંત દુઃખ સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર પ્રામાણિકતાથી રોજીરોટી કમાઈ રહ્યો હતો ત્યારે તેને આ રીતે મારીને તેની કમાણી લૂંટી લેનારા તમામ ગુનેગારો સામે પોલીસ તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરે અને તેમને ન્યાય અપાવે.

સ્થાનિકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ

અંબાજીમાં અવારનવાર બનતી આવી ગુનાહિત ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના તહેવાર દરમિયાન મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમીને પરત ફરતા ખેલૈયાઓ, ખાસ કરીને બહેન-દીકરીઓની સુરક્ષા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે માર્ગો પર અસામાજિક તત્વોની વધતી અવરજવરને રોકવા માટે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે અંબાજીના મુખ્ય માર્ગો પર રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

આ પણ વાંચો : Bharuch નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે હોબાળો, રૂ. 206 કરોડના હિસાબ મુદ્દે સંગ્રામ, સત્તાપક્ષે સભા છોડી દીધી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *