Amreliના નાની કુકાવાવમાં સિંહણનો આતંક: કપાસના ખેતરમાં કામ કરતા મજૂર પર હુમલો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લામાં અવારનવાર વન્યજીવોના માનવ વસવાટમાં આવવાની અને માનવ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે નાની કુકાવાવ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાની કુકાવાવ અને લાખાપાદર ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહેલા એક ખેત મજૂર પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથક અને ખેડૂતોમાં ભારે દહેશત તથા ભયનો માહોલ વ્યાપી ગયો છે.

કપાસના ખેતરમાંથી આવીને પીઠ પર કર્યો ગંભીર વાર

મળતી માહિતી મુજબ, ખેત મજૂર કપાસના પાકમાં કામ કરી રહ્યો હતો તે સમયે કપાસના છોડ વચ્ચે છુપાયેલી સિંહણે અચાનક બહાર આવીને મજૂર પર પીઠ પાછળથી ગંભીર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલા મજૂરે હિમ્મત દાખવીને બૂમાબૂમ કરી મૂકતાં સિંહણ ગભરાઈને સ્થળ પરથી નાસી છૂટી હતી. ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણ થતાં જ વનવિભાગ દોડતું થયું

સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા માનવ પર હુમલો થયાના સમાચાર મળતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સિંહણનું લોકેશન મેળવવા તેમજ તેને પકડવા માટે પીંજરું ગોઠવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા આસપાસના ખેતરોમાં કામ કરતાં મજૂરો અને ખેડૂતોને સતર્ક રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *