Amreliમાં શોરૂમ બનાવવાના બહાને વેપારીઓને બોગસ ચેક આપનાર મહાઠગની પોલીસે કરી ધરપકડ

📅 Published: September 10, 2026 | 📂 Category: Amreli

અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરનાર એક શાતિર મહાઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના રહેવાસી 55 વર્ષીય પ્રણવભાઈ પ્રવીણભાઈ સોની નામના આ આરોપીએ બગસરામાં ભાડે દુકાન રાખીને મોટો શોરૂમ બનાવવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ તેણે સ્થાનિક વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રિક સામાન, ફર્નિચરનું મટિરિયલ અને કલરકામની વસ્તુઓ ખરીદીને બોગસ કે ખાતામાં નાણાં ન હોય તેવા ચેક આપી પલાયન થઈ જવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.

બગસરા પોલીસે રૂ.2.81 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત 

ઠગાઈ અંગેની માહિતી મળતાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગોલવેલકર અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટીમે સફળ કામગીરી કરીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ.1.08 લાખની કિંમતના પ્લાયવુડના પાટીયા, રૂ.1.14 લાખની કિંમતના વાયરના બંડલો, પ્રાઇમર, ફેવિકોલની ડોલો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2,81,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શોરૂમના બહાને ચેક આપી કરતો હતો ઠગાઈ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી પ્રણવ સોની રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તેના વિરુદ્ધ મહેમદાબાદ, કડી, નડિયાદ અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ તેણે આ જ પ્રકારે વેપારીઓને ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવતાં બગસરા પોલીસે તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *