અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયાની ઘટના સામે આવી છે. ખાંભાથી ઊના જતા માર્ગ પર ખડાધાર ગામ નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ આરએફ્ઓ સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે. બનાવ બાદ વન વિભાગે દીપડાને અડફેટે લેનાર વાહન અને તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે. ખાંભા તેમજ ધોકડવા સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી અકસ્માત કરનાર વાહનની ઓળખ થઈ શકે. હાલ સુધી અકસ્માત કરનાર વાહન કે તેના ચાલક અંગે કોઈ મહત્વની કડી મળી નથી. બીજી તરફ્ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
