Amreli : ભાવનગર રાજકોટ હાઈવેમાં એમ્બ્યુલન્સ ચોરખાનામાં 3.56 લાખનો દારૂ ઝડપાયો

📅 Published: September 12, 2026 | 📂 Category: Amreli

ભાવનગર-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. બાબરા પોલીસે હાઇવે પર વોચ ગોઠવી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતાં ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 એમએલની દારૂની કુલ 1968 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, એમ્બ્યુલન્સ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોંડલના સાગર ઉર્ફે લાલો ગોહેલને ઝડપી લીધો હતો.

બાબરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ કિરણભાઇ સોલંકી અને હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલાને એમ્બ્યુલન્સ મારફ્તે દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફ્ આંબલીધાર વટીને ઉંટવડ તરફ્ જતા હાઇવે પર વોચમાં ગોઠવાયો હતો. દરમિયાન બાતમીવાળી એમ્બ્યુલન્સ પસાર થતાં તેને ઇશારો કરી અટકાવવામાં આવી હતી. વાહનચાલકને નીચે ઉતારી એમ્બ્યુલન્સની તપાસ કરતાં તેમાં ચોરખાનું બનાવેલું હોવાનું જણાયું હતું. ચોરખાનું ખોલીને તપાસ કરતાં દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ગણતરી કરતાં એમ્બ્યુલન્સમાંથી 180 એમએલની કુલ 1968 બોટલ મળી આવી હતી. જેમાં વ્હિસ્કીની 672 બોટલ કિંમત રૂ.1,35,072 અને બીજી કંપનીની વ્હીસ્કી ની 1296 બોટલ કિંમત રૂ.2,21,616નો સમ છે. બન્ને બ્રાન્ડની બોટલો પર મધ્યપ્રદેશમાં વેચાણ માટેની નોંધ હોવાનું સામે આવ્યું છે. બાબરા પોલીસે દારૂની બોટલો કિંમત રૂ.3,56,688 તથા એમ્બ્યુલન્સ કિંમત રૂ.7 લાખ તથા મોબાઇલ ફોન કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.10,66,688નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ગોંડલ મોટી બજાર ખાતે રહેતા સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ.34) સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્દીઓને લઈ જવા માટે એની એમ્બ્યુલન્સનો દારૂની હેરફેર કરવા માટે ઉપયોગ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *